Artists

જયંત ખત્રી – સામ્યવાદી વિચારસરણીના સર્જક

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાઓ એ સર્જકો અને વાચકો બન્ને પક્ષે ફેવરિટ રહી છે. જ્યારથી ગુજરાતીમાં ટૂંકી વાર્તાઓ લખવાની શરૂઆત થઈ, ત્યારથી ઘણાં એવા સર્જકો થઈ ગઈ, જેઓને ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના વાર્તાકારોમાં મૂકી શકાય. તેવા જ એક વાર્તાકાર એટલે ખત્રી જયંત હીરજી. જેમનો જન્મ ૨૪ સપ્ટેમ્બર,૧૯૦૯ અને મૃત્યુ ૬ જૂન ૧૯૬૮ના રોજ થયું હતું. તેમનો જન્મ મુંદ્રા (કચ્છ)માં. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. 

૧૯૨૮માં મેટ્રિક. ૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. થઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય કર્યો હતો. જયંત ખત્રીની વાર્તાઓ વાંચતા એમન થાય કે તેઓએ મધ્યમવર્ગને બખૂબી આલેખ્યો છે. એવો વર્ગ જે સતત જીવનના બે પડ વચ્ચે પીસાતો રહ્યો છે. તેનું મૂળ ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના તેમના વસવાટમાં છે. તેને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશ જેવા મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના ઘનિષ્ઠ પ્રભાવ હેઠળ તેઓ આવ્યા. નાવિક મંડળના, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ બન્યા. ઉમાસ્નેહરશ્મિ જેવા ઘણા પારિતોષિકના વિજેતા બન્યા. 

‘ફોરાં’ (૧૯૪૪), વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અગ્રંથસ્થ છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘હું’, ‘ગંગી અને અમે બધાં’, ‘સિબિલ’ વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો ‘અમે બુદ્ધિમાનો’, ‘યાદ અને હું’, ‘અમે’, ‘પ્રતાપ ઓ પ્રતાપ !’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, ‘જળ’ વાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. ‘પતંગનું મોત’, ‘માટીનો ઘડો’, ‘નાગ’માં રહસ્યને કલાત્મક રીતે વંયજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તો ‘ધાડ’, ‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’માં પ્રદેશવિશેષનું જીવંત તાદ્રશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓનો આધાર પણ લેવાયો છે, પરંતુ દ્રષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે. ‘તેજ ગતિ અને ધ્વનિ’ આ દ્રષ્ટિએ નોંધપાત્ર રચના છે.

તેઓ પોતાની આ સાહિત્ય લીલાને ઘણાં વર્ષો સુધી યથાવત રાખી શક્યા. પરંતુ, કેન્સરના નામે કાળની એક થપાટને કારણે તેઓ આ દેહ છોડીને શબ્દ દેહમાં અમર થઈ ગયા.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *