Artists

વૌ ભી એક દૌર થા – નિનુ મજુમદાર (Ninu Majumdar)

વૌ ભી એક દૌર થા… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુવર્ણકાળનો ફાયદો મુંબઈની બોલિવુડ ઇન્ડસ્ટ્રીને પણ સતત મળ્યો છે. ગુજરાતી સંગીત અને સિને જગતે દુનિયાને કેટકેટલું આપ્યું છે? અને હજુ પણ એ સિલસિલો બરકરાર જ છે ને. આ વાતના સંદર્ભમાં કેટકેટલાંય ઉદાહરણો તમે સાંભળ્યા હશે. કેટલાંય ટ્રિવિયા તમને મોઢે હશે. જગજિતસિંહને પહેલો બ્રેક આપવાની વાત હોય, કે તાજેતરમાં જ આપણે પ્રતિક ગાંધી દ્વારા કરાવેલું સ્કૅમ – 1992 હોય! ગુજરાતીઓ વેપારી પ્રજા હોવા છતાં કલાના ક્ષેત્રમાં પણ શિરમોર જ છે. અલબત્ત, આપણાં વેપારી ભેજાને કારણે જ તો આપણને સમજાય છે કે લોકોને કલા કેવી રીતે પીરસવી. ખરું ને? 

આપણે જેને નિનુ મજુમદાર તરીકે ઓળખીએ છીએ, તેવા શ્રી નિરંજન મજુમદારની વાત કરીએ તો 9 સપ્ટેમ્બરે તેમની જન્મતિથિ છે. નિનુ મજુમદાર એ સમગ્ર સંગીત જગતનું ખૂબ જાણીતું નામ છે. હિન્દુસ્તાની સંગીત હોય કે પછી ગુજરાતી સુગમ સંગીત. રવિન્દ્ર સંગીત હોય કે પછી ગરબા અને ગઝલો. નિનુ મજુમદારે એક પણ ક્ષેત્ર બાકી નથી રાખ્યું. તેમાં બોલિવુડનું ફિલ્મ સંગીત પણ આવી ગયું. 

તેમના જીવન કવન પર નજર કરીએ તો તેઓ એવા પરિવારનું સંતાન હતા, જ્યાં આઝાદીનો ખરો અર્થ સમજાતો હતો. તેમના માતા અને દાદી સૂરત શહેરના સ્વાતંત્ર્ય સેનાની હતા. તો પિતા નગેન્દ્ર મજુમદાર નાટક અને ફિલ્મ પ્રોડ્યુસર રહી ચૂક્યા છે. પરિવાર દ્વારા મળેલી સ્વતંત્રતાને કારણે જ નિનુ સાહેબ સંગીતની ખોજ કરી શક્યા છે. સંગીતની આ ખોજ તેમને ભારતભરમાં ફેરવી લાવી છે. સંગીતની સફરમાં વચ્ચે એક પડાવ લઈને તેમણે ખેતી પણ કરી, બોલો. 

નિનુ સાહેબના સંગીત પર ઉત્તર પ્રદેશના શાસ્ત્રીય અને લોક સંગીતનો ખૂબ પ્રભાવ રહ્યો છે. તેમણે હોરી, ચૈતી,બરખા બિરાહા, ઠુમરી અને દાદરા જેવા ઘણાં સંગીતના પ્રકારોને ફંફોસ્યા છે. મૂળથી શીખ્યા છે. પછી તેની અજમાઈશ કરી છે. અને તેનું પરિણામ? યશોમતી મૈયા સે પૂછે નંદલાલા – નાનપણમાં આપણે સ્કૂલમાં ગાયેલું આ ભજન નિનુ મજુમદારની પેશકશ છે. નિનુ મજુમદાર દ્વારા મશહૂર ફિલ્મ અભિનેતા રાજ કપૂરની શરૂઆતની બે ફિલ્મોમાં મ્યુઝિક આપવામાં આવ્યું હતું. જેલ યાત્રા અને ગોપીનાથ. અને આ ગોપીનાથ ફિલ્મ પરના એક ગીત – ઐ ગોરી રાધિકાની ધૂન પરથી સત્યમ્ શિવમ્ સુંદરમ્ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. 

નિનુ સાહેબના સંગીત પણ કોણે નથી ગાયું, તે પ્રશ્ન છે. અમીરબાઈ કર્ણાટકી હોય કે લતા મંગેશકર. આશા ભોંસલેથી લઈને મન્ના ડે અને પુરુષોત્મ ઉપાદ્યાયથી લઈને આસિત દેસાઈ સુધી તમામે એક યા બીજી રીતે તેમની સાથે કામ કર્યું છે. 

1954નું વર્ષ એ નિનુ સાહેબના જીવનનું મહત્વનું વર્ષ રહ્યું છે. આમ તો આ વર્ષ ગુજરાતી ફિલ્મ અને સંગીતની દુનિયા માટે ખાસ રહ્યું છે. કારણ કે આ જ વર્ષે નિનુ મજુમદાર અને કૌમુદિની મુન્શી લગ્નસંબંધથી જોડાયા અને આ જ વર્ષથી નિનુ મજુમદારે ઑલઇન્ડિયા રૅડિયો, મુંબઈ માટે કામ કરવાની શરૂઆત કરી. વિવિધ ભારતી પર ફિલ્મ સંગીત પ્રસારિત કરવાની શરૂઆત થઈ, ત્યારે સૌનો ચહિતો જયમાલા કાર્યક્રમ નિનુ મજુમદાર દ્વારા પ્રૉડ્યુસ કરવામાં આવ્યો હતો. 

પોતાની ફિલ્મોની સફર તેમણે લગભગ 1942થી શરૂ કરી હતી. તેમાં હિન્દી ફિલ્મોની સાથે સાથે ઓખાહરણ અને શરદપૂનમ જેવી ખ્યાતનામ ગુજરાતી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. 

ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કલાનું કોમ્બિનેશન ભાગ્યે જ કોઈકમાં એકસાથે જોવા મળે. નિનુ મજુમદાર તેમાંના એક હતા. આ માટે જ અવિનાશ વ્યાસે તેમને `બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉત્સાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મજમુદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.

તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નીનુભાઇએ લોકસંગીતમાં સંશોધન કર્યું છે અને સૂરદાસ તથા અન્ય સંતકવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે. તેમણે બાંસુરીવાદનના કાર્યક્રમો આપ્યા છે. તેમની રચનાઓમાં સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ અને અગાધ જ્ઞાન જોવા મળે છે. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે. સરદાર અખ્તર સાથે `ઉલઝન’માં, અમીરભાઇ કર્ણાટકી સાથે `પરિસ્તાન’માં અને મીનાકપૂર સાથે `ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજકપૂરની સૌપ્રથમ ફિલ્મો `જેલયાત્રા’ અને `ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. ફિલ્મ `ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત – આઇ ગોરી રાધિકા ને શબ્દોમાં સહેજ ફેરફાર કરીને એ જ તરજ સાથે ફિલ્મ `સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં લેવામાં આવ્યું હતું. એ ગીત હતું – યશોમતી મૈયા સે બોલે નંદલાલા. બાળકો માટે તેમણે સંખ્યાબંધ સંગીતનાટિકાઓ અને ગીતો લખ્યાં છે. રાષ્ટ્રીયસ્તરે પણ એમનું ગીત – આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઇનાં નથી – પસંદગી પામ્યું છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સમારોહ માટે જુદી જુદી ભાષાઓમાંથી સર્વશ્રેષ્ઠ રચનાઓની પસંદગી સરકાર દ્વારા થતી હોય છે તેમાં ગુજરાતી ભાષામાંથી નિનુભાઇની આ રચના પસંદ થઇ છે. 1954થી નિનુભાઈએ ઓલ ઈન્ડિયા રેડિયો – મુંબઈ માટે 20 વર્ષ સુધી લાઈટ મ્યૂઝિક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ઓખાહરણ અને શરદપૂનમ જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું છે. નિનુભાઈનો સમગ્ર પરિવાર શબ્દ અને સૂર સાથે જોડાયેલો છે. નિનુભાઈ હવે હયાત નથી પણ એમના ઘરનો સૂરવૈભવ આજે પણ સમૃદ્ધ છે. નિનુભાઈના પત્ની કૌમુદી મુન્શી (પ્રખ્યાત ગાયિકા), ત્રણ દીકરીઓ રાજુલ મહેતા (ગાયિકા), સોનલ શુકલ (સોશિયલ એક્ટિવિસ્ટ), મીનળ પટેલ (અભિનેત્રી) તથા સૌથી નાનો દીકરો ઉદય મઝુમદાર (સ્વરકાર-ગાયક) છે, જેઓ પણ ગુજરાતી ગીત-સંગીતની દુનિયામાં સારી નામના મેળવી ચૂક્યા છે.

ગુજરાતી સંગીતને વરેલા આવા લિજેન્ડ વિશે વધારે તો શું કહી શકીએ? તેમના ગીતો આજે પણ માણવા હોય, તો સરનામું તો તમને ખ્યાલ જ છે ને? જલસો મ્યુઝિક ઍપ. કૌમુદિની મુન્શી અને નિનુ મજુમદારના જીવનના ઘણાં પડ એવા છે, જે જાણવાની મજા આવે. Keep listening Jalso!

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *