સુમન કલ્યાણપુરનો જન્મ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ ઢાકા ખાતે થયો હતો. તેણી એક પ્રતિષ્ઠિત ભારતીય ગાયિકા છે. વર્ષ ૧૯૪૩માં તેમનું કુટુંબ મુંબઇ ખાતે રહેવા આવ્યું, જ્યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ. સુમન કલ્યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. તેણીએ શાસ્ત્રીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્મના સંગીત દિગ્દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા ‘પંડિત કેશવ રાવ ભોલે’ પાસે શીખવા શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેણી માત્ર શોખ માટે ગાતા હતા. પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડવા લાગ્યો અને તેણીએ વ્યવસાયિક ધોરણે ‘ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન’ અને ‘ગુરુજી માસ્ટર નવરંગ’ પાસે શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તો ઓલ ઇન્ડિયા રેડિયોના કાર્યક્રમોથી માંડીને ફિલ્મ્સમાં પ્લેબેક સિંગર તરીકે, સ્ટેજ શૉઝ માટે કે બીજા અનેક કાર્યક્રમોમાં તેમણે પોતાની પ્રતિભા દેખાડી જ છે. તેમણે ૭૪૦ ફિલ્મી અને ગેર-ફિલ્મી ગીતો ગાયાં છે. તેમણે ૧૯૬૦ના દાયકામાં મહંમદ રફી સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, આસામી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, અંગ્રેજી પંજાબી અને ગુજરાતી જેવી ઘણી ભાષાઓનાં ચલચિત્રો માટે ગીતો ગાયાં છે. તેમના અવાજમાં ખૂબ પોપ્યુલર બનેલા ગુજરાતી ગીતો એટલે.. ઝૂલણ મોરલી વાગી, વા વાયા ને વાદળ, તારી સાંવરી સુરત પર, સોળે શણગાર સજી, રાતી રાતી પારેવાની આંખડી, પાણી ગયા’તા રે, નાગર નંદજીના લાલ અને બીજા તો ઘણા બધા. જે લગભગ બધા જ જલસો એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
