Artists, Classics, Gazal, Gujarati Songs, Light Vocal, Lyricists, Samanvay, shayar

શબ્દોથી અમૃતપાન કરાવતા શાયર – ઘાયલ!

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું

આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ઘાયલ

પોતાની કાવ્યશક્તિને સંજીવની સમજતાં આ શાયર મૂળે તો રાજકોટના વતની. નામ તેમનું અમૃતલાલ ભટ્ટ. પણ મોટેભાગે તેઓ ઓળખાયા અમૃત ‘ઘાયલ’ના નામથી. અમૃત ઘાયલનો જન્મ 19 ઑગસ્ટ 1916ના રોજ રાજકોટના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે તેમણે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં જ સ્થાયી થયા હતા.

પોતાના વ્યવસાયથી સાવ જુદી જ દિશા પકડીને તેઓ શાયરી તરફ વળ્યા. મુશાયરામાં તેઓ તેમની રજૂઆતની આગવી શૈલી માટે જાણીતા છે. તેમની ગઝલમાં મુલાયમ ભાવો અને સરળતા સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. તેમની ઘણી ગઝલોને સ્વરબદ્ધ કરવામાં આવી છે.

અમૃત ઘાયલે 25 ડિસેમ્બર 2002ના રોજ જગતમાંથી વિદાય લીધી હતી. પરંતુ, શબ્દદેહે તો તેઓ આજે પણ આપણી વચ્ચે હાજર છે.

જલસો મ્યુઝિક એપમાં આપ અમૃત ઘાયલની સ્વરબદ્ધ કરેલી ઘણી રચનાઓ સાંભળી શકો છો. ખૂબ જાણીતા ગાયિકા માયા દીપકે તેમના અવાજમાં એક ગઝલ આલ્બમ રજૂ કર્યું છે. “ઘાયલની મસ્તી” નામના આ આલ્બમમાં ખરેખર ‘ઘાયલ’ની મસ્તી અનુભવાય છે. એક અનન્ય ભાવ પ્રગટાવતો આ આલ્બમ ગઝલ રસીયાઓને સંભાળવાની મજા પડે એવો  છે.

BY – PRACHI JANI

Artists, Gazal, Gujarati Songs, Lyricists

અમર પાલનપુરી : તરન્નુમના બાદશાહ (Amar Palanpuri)

ગુજરાતી વ્યાપારી માત્ર પૈસા જ ગણી શકે, તેવી વિચારણામાં સ્હેજ સુધારણા જરૂરી ખરી, હો! જલસો મ્યુઝિક ઍપ પર જેમની ગઝલો અને ગીતો ખૂબ જ સંભળાય છે, તેવા જાણીતા ગઝલકાર, ગીતકાર અને અભિનેતા અમર પાલનપુરીએ આપણી આ વિચારણામાં ફેરફાર લાવ્યા છે. તેઓ વ્યાપારી થઈને પૈસાની સાથે સાથે ગીતો-ગઝલોના અક્ષરો અને માત્રાઓ ગણતાં હોય છે.

જી, હા. અમર પાલનપુરી તરીકે ગુજરાતી ગઝલરસિયાઓના હ્રદયમાં સ્થાન પામનાર આ સર્જકનું મૂળ નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. મૂળ સૂરતના પ્રવિણ મહેતાએ, જાણીતા ગઝલકાર શ્રી શૂન્ય પાલનપુરીની સંગતના કારણે ગુજરાતી સાહિત્યમાં ઝંપલાવ્યુ હતુ. જ્યારે તખ્ખલુસ રાખવાની વાત આવી, ત્યારે તેમણે પોતાની આ મિત્રતાનો પ્રાસ બેસાડવા અમર પાલનપુરી ઉપનામ રાખ્યું અને તે તખ્ખલુસ આજે ખૂબ જ જાણીતું બન્યું છે.

અમર પાલનપુરી ગીતકાર અને ગઝલકાર હોવાની સાથે સાથે ખૂબ જ અચ્છા અભિનેતા પણ છે. પણ શું તમે જાણો છો, તેઓ વ્યાવસાયિક રીતે એક સાવ અલગ જ ઓળખ ધરાવે છે? આ ગઝલકાર આમ તો સૂરતના ડાયમંડના વ્યાપારી છે. હવે વિચારો, સાહિત્ય પ્રત્યેની તેમની ચાહ કેવી હશે, કે તેમને હિરાની ચમકથી વધુ રસ શબ્દોના પાસાં પાડવામાં પડ્યો!

અમર પાલનપુરી પરંપરાગત ઢબે જ ગઝલો અને ગીતોની રચના કરે છે. ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેઓ તરન્નુમના બાદશાહ તરીકે ઓળખાય છે.

અમર પાલનપુરીની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓને જાણીતા સ્વરકારોએ સ્વર આપ્યો છે. તેમની એક ગઝલની કેટલીક પંક્તિઓ, માત્ર તમારા માટે! તેમની આ ખૂબ જાણીતી રચના જાણીતા ગાયક શ્રી રાસબિહારી દેસાઈના સ્વરમાં તમે જલસો મ્યુઝિક એપમાં સાંભળી શકો છો!

જીવનમાં તો મળી નહોતી, કદી ફૂરસદ ઘડીભરની,

મરણ આવ્યું, કરો આરામ, કે લાંબી રજા આવી…

અને બીજી એક રચનામાં તેઓ લખે છે કે,

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,

કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે…