Read More
Artists

સાક્ષરયુગના પ્રણેતા : ગોવર્ધનરામ ત્રિપાઠી (The pioneer of the literate age : Govardhanram Tripathi)

ગુજરાતી સાહિત્યના અભ્યાસની સરળતા ખાતર તેના ત્રણ મુખ્ય ભાગ પાડવામાં આવ્યા છે. પ્રાચીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હાલ વપરાશમાં લેવાતી ગુજરાતી ભાષાનું આ સ્વરૂપ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે આદિ કવિ નરસિંહ મહેતાના સમયથી વપરાશ આવ્યું છે. આજના જેવું ગુજરાતી ભાષાનું વ્યાકરણ મધ્યકાળથી અસ્તિત્વમાં આવ્યું છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્ય 18મી સદીથી આજ પર્યંત રચાતું આવ્યું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પહેલો તબક્કો સુધારક યુગ તરીકે ઓળખાય છે. જેના પ્રણેતા આદ્ય કવિ નર્મદ રહ્યા છે.

અલબત આજે અર્વાચીન સાહિત્ય અંગે વાત કરવાનું મુખ્ય કારણ સુધારક યુગ નહી, પરંતુ સાક્ષર યુગ છે. તેમાં સાક્ષી યોગના પ્રણેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે વાત કરવી છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સાક્ષર યુગ જેમના નામે ઓળખાય છે તેવા શ્રેષ્ઠતમ સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠી તેમની પ્રખર મહાનવલ સરસ્વતીચંદ્ર માટે જાણીતા છે.ગુજરાતી સાહિત્ય જે સમયે પ્રાયોગિક તબક્કામાં હતું જ્યારે ચાર ભાગમાં સરસ્વતીચંદ્ર લખીને તેમણે 19મી સદીના તત્કાલીન જીવનની ઝાંખી કરાવી છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી ભાષાના એવા પ્રેમી હતા કે, ગુજરાતી સાહિત્યની સેવા માટે તેમણે ૪૩ વર્ષની ઉંમર સુધી સેવેલી વકીલાતની ધીકતી કારકિર્દી છોડી હતી.

મૂળે તો ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના નવલકથાકાર તરીકે પ્રખ્યાત છે. પરંતુ તેમણે સાથે સાથે વિવેચન ગ્રંથો પણ આપ્યા છે. તેમણે મધ્યકાળના કવિઓ ઉપર કરેલું સંશોધન તેમનું શ્રેષ્ઠ કામ છે. આજની તારીખમાં રિસર્ચના વિદ્યાર્થીઓ તેમના આ સંશોધનો સંદર્ભ લે છે.

 

સરસ્વતીચંદ્ર મહાનવલની વાત કરીએ તો તેને લખવામાં તેમને 24 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ચાર ભાગોમાં લખાયેલી આ મહાનવલમાં તેમણે સરસ્વતીચંદ્રના પાત્રને એટલું જીવંત બનાવ્યું છે કે આજે પણ નાયક તરીકે તે આદર્શ લાગે છે. સરસ્વતીચંદ્રના કેટલા ભાગ ગોવર્ધનરામે પોતાના વતન નડિયાદ ખાતેના ઘરમાં લખેલા છે. આજની તારીખમાં તેમનું ઘર ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર તરીકે સચવાયેલું છે.

 

તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ હતા. સાહિત્ય પરિષદમાં આજે પણ તેમની સ્મૃતિમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સભાગૃહ આવેલું છે.

 

આવા સાહિત્યકાર ગુજરાતી ભાષાને જે સમૃદ્ધિ આપીને ગયા છે, તેના દ્વારા જ તેઓ અક્ષરદેહે આપણી વચ્ચે અમર છે.

Read More
Uncategorized

દિલીપ ધોળકિયા અને ગરબા (Dilip Dholkia And Garba)

 

વૌ ભી એક દૌર થા… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુવર્ણકાળનો ફાયદો મુંબઈની બોલિવુડ ઇન્ડસ્ટ્રીને પણ સતત મળ્યો છે. ગુજરાતી સંગીત અને સિને જગતે દુનિયાને કેટકેટલું આપ્યું છે? અને હજુ પણ એ સિલસિલો બરકરાર જ છે ને. આ વાતના સંદર્ભમાં કેટકેટલાંય ઉદાહરણો તમે સાંભળ્યા હશે. કેટલાંય ટ્રિવિયા તમને મોઢે હશે. જગજિતસિંહને પહેલો બ્રેક આપવાની વાત હોય, કે તાજેતરમાં જ આપણે પ્રતિક ગાંધી દ્વારા કરાવેલું સ્કૅમ – 1992 હોય! ગુજરાતીઓ વેપારી પ્રજા હોવા છતાં કલાના ક્ષેત્રમાં પણ શિરમોર જ છે. અલબત્ત, આપણાં વેપારી ભેજાને કારણે જ તો આપણને સમજાય છે કે લોકોને કલા કેવી રીતે પીરસવી. ખરું ને?

અને આ જ સમજણથી જૂનાગઢમાં જન્મેલા એક સંગીતકારે ગુજરાતી સંગીતના સ્તરને નવી ઊંચાઈઓ આપી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ, એક એવા સંગીતકારની જેમણે સિત્તેરના દાયકાથી ગુજરાતી પ્રેમીઓને અભિવ્યક્તિ ગીત આપ્યું છે. તારી આંખનો અફીણી‌ – દિલીપભાઈ દ્વારા ગાવામાં આવેલું ઉત્તમમાં ઉત્તમ અભિવ્યક્તિ ગીત છે.

આ પીઢ સંગીતકાર પોતે પાછા ગાયક પણ ખરા! હું વાત કરું છું દિલીપ ધોળકિયાની. મૂળે તો સંગીત તેમને વારસામાં મળેલુ. દિલીપ ધોળકિયાનો સંગીત સાથેનો પ્રથમ પરિચય તેમના પિતાશ્રી અને દાદાશ્રીએ કરાવ્યો હતો. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં કીર્તન ગાતા બાળક દિલીપ 1960 અને ૭૦ના દાયકામાં હિન્દી અને ગુજરાતી ફિલ્મ સંગીતના ઉત્તમ સંગીતકાર બની જાય છે.

પરિવારમાં સંગીતનું વાતાવરણ મળતાં વડીલોએ બાળક દિલીપને સંગીતની રીતસરની તાલીમ આપવાનું વિચાર્યું. દિલીપ ધોળકિયાએ સંગીતની પ્રારંભિક તાલીમ પાંડુરંગ આંબેડકર પાસેથી લીધી હતી. પરંતુ તેમણે સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું ક્યારેય વિચાર્યું નહોતું. અને એટલે જ કદાચ તેમણે બોમ્બે સ્ટેટ ઓફ ગવર્મેન્ટના એકાઉન્ટ વિભાગમાં ક્લર્ક તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી.‌

પણ પેલું કહે છે ને કે અંજળપાણી જ્યાં લખ્યા હોય ત્યાં તમે આપોઆપ દોરાઈ જાવ છો. નસીબનો ખેલ એવો હતો કે દિલિપ ધોળકિયા જ્યાં કામ કરતા હતા, તે જ સરકારી બિલ્ડિંગમાં ઓલ ઇન્ડિયા રેડિયો આવેલું હતું. કારકુની કરતા કરતા દિલિપ ધોળકિયાના પગ એક દિવસ આપોઆપ ઓલ ઇન્ડિયા રેડિયો ખાતે જઈ પહોંચ્યા.

સુંદર અવાજના માલિક એવા દિલીપ ધોળકિયાને ઓલ ઇન્ડિયા રેડિયોના A ગ્રેડના ગાયક તરીકે સ્થાન મળ્યું. અને પછી તો હિન્દી ફિલ્મો માટે પણ તેમના દરવાજા ખુલી ગયા. સંપર્કો વધતા તેમની કિસ્મત તેમને હિન્દી ફિલ્મ કિસ્મતવાલા તરફ લઇ ગઈ. આ વર્ષ હતું 1944નું. એ ફિલ્મ હતી જાણીતા સંગીતકાર ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલની.

બોલિવૂડમાં ગાયક તરીકે તેમનું પદાર્પણ થઇ ગયા બાદ, D. Dilipના નામથી તેમણે સાત હિન્દી અને અગિયાર ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. અને તે પછી પણ ગાયક તરીકે તેમણે પુરુષોત્તમ ઉપાધ્યાય, અજિત મર્ચન્ટ, અવિનાશ વ્યાસ સહિત ઘણા દિગ્ગજો સાથે કામ કર્યું. વેણીભાઈ પુરોહિતના શબ્દોને તેમણે સુંદર રીતે સંગીતમાં પરોવ્યા છે.

દિલિપ ધોળકિયાના ગરબાને આજે નવરાત્રીના દિવસોમાં આખું ગુજરાત ગણગણતું જોવા મળે છે. ખૂબ જ જાણીતું ગરબાઓમાં ગવાતું – મેળાનો મને થાક લાગે – ગીત પણ દિલીપ ધોળકિયાનું જ સર્જન કરે છે. ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું વગડા વચ્ચે તલાવડી ગીત પણ આજે ગરબાના ટોપ ચાર્ટ માં જોવા મળે છે.

ગુજરાતી ઉપરાંત દિલીપ ધોળકિયાએ ભોજપુરી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. જાલમસંગ જાડેજા, મોટા ઘરની દિકરી, કંકુ સત્યવાન સાવિત્રી વગેરે ફિલ્મોમાં તેમના ગીતો એ દર્શકોના મનમાં એક અમીટ છાપ છોડી છે.

તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલ, હૃદયનાથ મંગેશકર જેવા દિગ્ગજોને આસિસ્ટ કર્યા છે. તેમણે HMV માટે કમ્પોઝ કરેલા નોન ફિલ્મી ગીતોમાં લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરી અમોનકર જેવા દિગ્ગજ ગાયિકાઓએ પોતાનો અવાજ આપ્યો છે.

બરકત વિરાણી અને ગાલીબ સહિતની ગઝલો તેમણે કમ્પોઝ કરીને સંગીત પ્રેમીઓને ભેટ કરી છે. આવા દિગ્ગજ સંગીતકાર અને ગાયક શ્રી દિલિપ ધોળકિયા ગુજરાતી ફિલ્મ અને સંગીતના ક્ષેત્રનું આપણું ઉત્તમ ઘરેણું છે. પોતાના સુરો અને અવાજ દ્વારા અક્ષરદેહ પામેલા આ સંગીતકારની રચનાઓ અવિસ્મરણીય છે. અલબત્ત, આ રચનાઓ જલસો મ્યુઝિક એપ પર અવેલેબલ તો છે જ!

Read More
Artists

ક્ષેમુ દિવેટિયા – સંગીતસુધાની અવિરત સરવાણી – Kshemu Divetia

મૂળે તો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો આ પરિવાર એ ગુજરાતી સાહિત્ય અને સંસ્કારોની સેવા કરતો સાંસ્કૃતિક પરિવાર છે. ક્ષેમુ દિવેટિયાના પિતાશ્રી વીરમિત્ર ભીમરાવ દિવેટિયાને સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ ગુજરાતી સંગીત મંડળ ચલાવતા હતા. જેને કારણે ક્ષેમુ દિવેટિયાને મોટા મોટા સંગીતકારો અને ગાયકોને સાંભળવાનો મોકો મળ્યો. એ રીતે ધીમે ધીમે તેમનો સંગીતનો શોખ કેળવાતો ગયો. જયસુખભાઈ ભોજક પાસેથી સંગીતનું પહેલું શિક્ષણ તેમણે મેળવવાની શરૂઆત કરી હતી. નાનપણમાં તો ક્ષેમુ દિવેટિયાનો જુકાવ ક્રિકેટ તરફ વધુ હતો. પણ કાન સંગીત બાજુ જ રહ્યા છે.
એકવાર પંડિત ઓમકારનાથ ઠાકુર અમારા ઘરે આવ્યા હતા. તેમણે મારા ફોઈઓને કંઇક ગાવાનું કહ્યું, એટલે બન્ને જણે જયજયવંતી રાગ ગાયો. ત્યારે મારા પિતાજી ક્ષેમુ દિવેટિયાએ તરત જ એ રાગ ઓળખીને કહ્યું કે આ તો જયજયવંતી રાગ છે. આ વાત સાંભળીને પંડિતજીને ખૂબ આશ્ચર્ય થયું. અને તેમણે સૂચન કર્યું કે ક્ષેમુને રીતસરની તાલીમ અપાવો.
ગુજરાત કૉલેજમાં ભણતાં ભણતાં તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. હમીર હુસૈન ખાં સાહેબ અને વી.આર. આઠવલે સાહેબ પાસેથી તેમણે સંગીતની રીતસરની તાલીમ લીધી. મૂળે તો કેમિકલનો ધંધો કરતાં ક્ષેમુ દિવેટિયા ખૂબ અચ્છા ક્રિકેટર હતા. છતાં સંગીતના શોખને તેમણે જાળવી રાખ્યો. પત્ની સુધા લાખિયા 3સાથેનો મેળાપ પણ સંગીતને કારણે જ થયો. પત્નીના સહકારથી તેમની સંગીતની પ્રવૃત્તિઓ સતત ચાલતી રહી.
સંગીતનો આ શોખ ધીમે ધીમે સ્વરાંકનો તૈયાર કરવામાં પરિણમ્યો. ત્યાર બાદ રંગમંડળમાં તેઓ જોડાયા અને નાટકોમાં સંગીત આપવાની શરૂઆત કરી, જે ફિલ્મ કાશીના દિકરામાં સંગીત આપવા સુધી બરકરાર રહી.
મૂળે તો ક્ષેમુ દિવેટિયાની સંગીતની પ્રવૃત્તિઓને વેગ મળ્યો ચીન અને ભારતના યુદ્ધ દરમ્યાન. એ યુદ્ધ દરમ્યાન ક્ષેમુ દિવેટિયા તથા પુરુષોત્તમ ઉપાધ્યાય, સુરેશ જાની, રાસબિહારી દેસાઇ વગેરે કલાકારો ભેગા મળીને સ્તુતિ ગાયક વૃંદની સ્થાપના્ કરે છે. આ પ્રવૃત્તિ તેમને દોરી ગઈ આઇ.એન.ટી – નાટકની સ્પર્ધા તરફ. જેમાં ખૂબ જાણીતું થયેલું નાટક સપ્તપદી અને તેનું ખૂબ જાણીતું થયેલું ગીત – કેવા રે મળેલા મનનાં મેળ – ક્ષેમુ દિવેટિયાની ઓળખાણ બની જાય છે. પોતાના 60મા જન્મદિવસ પર સંગીત-સુધાના નામે પોતાના જાણીતા સ્વરાંકનોનું સંકલન ક્ષેમુ દિવેટિયા ગુજરાતી સંગીતને આપે છે.

Read More
Trending On Jalso

મલ્હાર અને કૉફી શૉટ્સ (Malhar & Coffee Shots)

એક સમયે થિએટર ઇન્ડસ્ટ્રી ચા અને મસ્કાબનના વળગણ માટે જાણીતી હતી. થિએટર્સની બહાર મોડી રાત સુધી ચા અને મસ્કાબનની મિજબાનીઓના કિસ્સાઓ અને પોતાના હિસ્સાઓ માટેની કચકચ અને તેની મીઠી યાદો ઘણી જાણીતી છે. વૌ ભી એક દૌર થા…

અલબત્ત, હાલ જેમ જેમ કૅફે કલ્ચર વધતું જાય છે, તેમ તેમ કૉફી અમદાવાદી કટિંગ ચાની જગ્યાએ હવે જાતભાતની કૉફીઓ વધારે પીવાય છે.

અને આ આખા પરિવર્તનના સમયમાં જો કંઇક ફેમસ થયું હોય તો તે છે, મલ્હાર ઠાકર અને તેમનો કૉફી પ્રેમ.કૉફીને ચાહીને સતત તેને એક કમ્પેનિયનની જેમ પોતાની પાસે રાખતાં મલ્હારના કૉફી પ્રેમ વિશે આજે થોડી વધુ વાતો કરીએ.

આપણે જાણીએ છીએ તેમ મલ્હાર ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે કૉફી શોધી લે છે અને તેનો આસ્વાદ માણતાં જોવા મળે છે. ક્યારેક ફેન્સના કૅમેરાથી કે ક્યારેક કોઈ પેપેરાઝી પેજ પર, મલ્હાર કોઈકને કોઈક રીતે કૉફી સાથે ઝડપાઈ ચોક્કસ જાય છે.

પણ શું તમે જાણો છો કે મલ્હાર કૅફેઝમાં જેટલાં અવનવાં પ્રકારની કૉફીઓ પીવે છે, તેટલાં જ પ્રકારની કૉફીઝ ઘરે પણ બનાવી શકે છે. પાછો જાતજાતની કૉફી ફ્લેવર્સ વચ્ચે શું તફાવત છે, તે પણ તે બખૂબી સમજાવી શકે છે. અમેરિકાનો, લાતે, કૅપેચિનો, એસ્પ્રેસો, રેડ આઇ, ડોપિયો, કોર્ટાડો, મૉકા, આઇરિશ વગેરે જે નામો આપણે મેન્યુઝમાં વાંચીએ છીએ, તે કૉફીઝ વચ્ચેનો ખરો તફાવત આપણે જાણીએ છીએ ખરાં? મલ્હાર આ તફાવત સમજાવતાં કહે છે કે, ‘ મૉકા એ આજકાલ ખૂબ પીવાતો કૉફી પ્રકાર છે. તેમાં બેઝિકલી ગ્લાસની સૌથી નીચે  કૉફીનો એસ્પ્રેસો શૉટ આવે, તેની પર ચૉકલેટ સિરપ આવે, ઉપર સ્કીમ મિલ્ક – એટલે કે મલાઈ વગરનું દૂધ આવે અને તેની ઉપર ફીણવાળું ફ્રૉથ મિલ્ક આવે. હવે આ કૉફીને જેમ જેમ મિક્સ કરો, તેમ તેમ કૉફી – ચૉકલેટ સિરપ અને દૂધ એકરસ થતું જાય છે. મૉકામાં ચૉકલેટની મિઠાશ ઉમેરાય તેથી વધારાની ખાંડની જરૂર પડતી નથી.’

આ આખી વાત સમજાવતાં મલ્હારની આંખોમાં જે મૉકા બ્રાઉન ચમક હતી, તે જ કૉફી માટેનો તેમનો પ્રેમ દર્શાવે છે. ‘અચ્છા, હવે આ જે એસ્પ્રેસો શૉટ્સ હોય છે તે જ મૂળ કૉફી કહી શકાય. કૉફીનો અર્ક એટલે આ એસ્પ્રેસો. કૉફી બીન્સને પ્રેસ કરતાં કરતાં તેમાં સ્હેજ સ્હેજ પાણી ઉમેરીને જે લિક્વિડ કૉફી સિરપ તૈયાર થાય છે, તે ડિરેક્ટલી સર્વ થાય, તેને એસ્પ્રેસો કહેવાય.‘ આ સમજ મલ્હાર આપતાં આપતાં કહે છે કે ‘હું આ તમામ પ્રકારની કૉફી જાતે પણ બનાવું જ છું.’ આ વાત આપણે માનવી જ રહી, કારણ કે મલ્હારના કિચનમાં અત્યાધુનિક કૉફી મેકર્સ પણ અવેલેબલ છે.

હવે કડક મીઠી ચા પીનારા ગુજરાતીઓને કડવી અમેરિકાનો કૉફી ભાવે ખરી? આ સવાલનો જવાબ તો તમારે મને આપવો પડશે. પણ આ અમેરિકાનો શું છે, તેનો જવાબ મલ્હાર આપે છે. ‘અમેરિકાનો એટલે મૂળે બ્લૅક કૉફી. એક શૉટ એસ્પ્રેસો અને ગરમ પાણી. આ જ અમેરિકાનો કૉફી.’

મલ્હાર પોતે નોન આલ્કોહોલિક છે તે વાત આમ તો જગજાહેર છે. છતાં તે એક એવી કૉફી વિશે પણ જાણે છે, જે ગુજરાતની બહાર રમ સાથે પીરસવામાં આવે છે. આઇરિશ કૉફી. અલબત્ત, આ કૉફી ગુજરાતમાં સ્હેજ અલગ રીતે મળે છે. મલ્હાર કહે છે કે ગુજરાતમાં બ્લેક કૉફીના માઇલ્ડ શૉટની ઉપર ફ્રૉથ અથવા સ્હેજ સ્ટ્રૉંગ વ્હિપ્ડ ક્રિમ પાથરીને આઇરિશ કૉફી પીરસવામાં આવે છે. આ કૉફી મિલ્ક કૉફી નથી.

છે ને મલ્હારનો ગજબનો કૉફી પ્રેમ?