Artists, Classics, Film Music, Gazal, kavi, Light Vocal, Lyricists, shayar

સાત અક્ષરના કવિ : ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,

બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

  • ભગવતીકુમાર શર્મા

ગુજરાતી ભાષાના ઉત્તમ સર્જકોની વાત આવે, ત્યારે ભગવતીકુમાર શર્માનું નામ પહેલી હરોળમાં મૂકવું જ પડે ને! સુરત શહેરે ગુજરાતી ભાષાને સાહિત્યકારોનો જે ખજાનો આપ્યો છે, તેમાંના એક એટલે ભગવતીકુમાર શર્મા.

31 મે,1934ના રોજ હરગોવિંદભાઈ અને હીરાબેનને ત્યાં સુરત શહેર મધ્યે ભગવતીકુમાર શર્માનો જન્મ થયો હતો. માધ્યમિક શિક્ષણ 1950માં પૂરું કરીને તેમણે આગળનો અભ્યાસ છોડી દીધો. પાછળથી 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી. 1955માં તો તેમણે ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં કામ કરવાની શરૂઆત કરી હતી તેઓ એ પ્રુફરીડરની નોકરી સ્વીકારી અને પછીથી પ્રમોશન મળતા તેઓને પત્રકારત્વ કરવાની તક પણ મળી. તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ રહ્યા હતા.

નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે ભગવતીકુમાર શર્માનું કામ અવિસ્મરણીય છે. તેમના સાહિત્યની નોંધ ખૂબ લેવામાં આવી છે. તેમનું સાહિત્ય લોકભોગ્ય રહ્યું છે. તેમની કવિતાઓ લોકોમાં ખાસ પ્રિય રહી છે. તેઓ સુરત અને આસપાસના વિસ્તાઓમાં થતા મુશાયરાઓમાં પણ જતા. ભગવતીકુમાર શર્માને લેખન અને સાહિત્યનો વરસો પરિવારમાંથી જ પ્રાપ્ત થયો હતો. તેમના પિતા હરગોવિંદભાઈ સામવેદના પંડિત હતા અને જૂની રંગભૂમિના નાટકોમાં પણ તેમને રસ હતો.

પરિવારમાંથી સાહિત્યના વારસાની સાથે તેમને એક બીમારી પણ વરસામાં મળી. આંખની તકલીફ. ભગવતીકુમાર આઠ-દસ વર્ષના હતા ત્યારથી જ તેમને આંખના નંબર આવ્યા અને તેમને જાડા કાચના ચશ્મા પહેરવા પડ્યા. આંખના ડોક્ટરે તો તેમને સ્કૂલમાં ભણવા જવાની અને પુસ્તકો વાંચવાની પણ ના પાડી દીધી હતી. માધ્યમિક શિક્ષણ પછી અભ્યાસ છોડવાનું એક કારણ આ પણ મનાય છે. જો કે, તેમની  સાહિત્યપ્રિતીના કારણે તેઓએ તેમની સાહિત્યસર્જનની પ્રવૃત્તિ ચાલી રાખી.

ભગવતીકુમાર શર્મા નાટકોમાં કામ કરતા, ચિત્રો દોરતા, અને વાજિંત્રો પણ વગાડતા. વાંચનનો તેમનો જબરો શોખ. સુરતની લગભગ બધી જ લાયબ્રેરીમાં તેઓ વાંચવા જતા. ભગવતીકુમાર શર્મા હરીન્દ્ર દવેને પોતાના આદર્શ ગણતા. હરીન્દ્ર દવે પણ સાહિત્યકાર અને પત્રકાર હતા. હરિન્દ્ર દવે ભગવતીકુમારને પત્રકારત્વ અને સાહિત્યનો સંબંધ સમજાવાતા કહેતા, કે આ પત્રકારત્વનું ગદ્ય લેખન સાહિત્યમાં ઘણું જ ઉપયોગી બને છે.

ભગવતીકુમારે લગભગ પંદર હજાર તંત્રી લેખો લખ્યા છે. ૫૦૦૦ જેટલા હાસ્યલેખો અને એટલા જ લલિત નિબંધો. ૧૩ નવલકથાઓ અને ૧૩ વાર્તા સંગ્રહો તેમણે સાહિત્યને આપ્યા છે. હાસ્યના ૪ પુસ્તકો, વિવેચનના પુસ્તકો, આત્મ્કથા, નાટકના અનુવાદ – રૂપાંતરો દ્વારા તેમણે સાહિત્યમાં તેમનું યોગદાન આપીને પોતાની શબ્દશક્તિનો પરિચય આપ્યો છે. તેમણે ખૂબ બધાં ગીતો – કવિતાઓ – ગઝલ લખી છે. જેમાંથી ઘણીબધી કવિતાઓનો સંગીતકારોએ સૂરો સાથે સમન્વય કર્યો છે.

તેમના આ સાહિત્યસર્જન માટે તેમને 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત, 1977માં કુમાર સુવર્ણ ચંદ્રક અને 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક પણ તેમને એનાયત કરવામાં આવ્યા હતા. તેમને 1988માં ‘અસૂર્યલોક’ નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

ભગવતીકુમાર શર્માની સિદ્ધિઓનું લિસ્ટ હજુ પૂરું નથી થયું. 1999માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી. 2003માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. 2011માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો. 1999માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો. 2017માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.

પરંતુ, ગુજરાતી સાહિત્યની આ સરવાણી 5 સપ્ટેમ્બર, 2018ના રોજ સુરત ખાતેથી વસમી વિદાય લઈને અટકી ગઈ.

ભગવતીકુમાર શર્માનું સાહિત્ય સર્જન અવનવા સ્વરૂપમાં જલસો મ્યુઝિક ઍપ પર આપ માણી શકો છો!

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરશિયાના માણસ;

અમે વારસાગત સમસ્યાના માણસ.

  • ભગવતીકુમાર શર્મા
Artists, Classics, Gazal, Gujarati Songs, kavi, Lyricists, shayar

ગની દહીંવાલા – ગઝલની મીઠાશના કવિ

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. જેઓ ગની દહીંવાલાના નામે ગુજરાતી સાહિત્યરસિકોમાં જાણીતા છે. તેમનો જન્મ 17 ઑગસ્ટ, 1908ના રોજ થયો હતો. મૂળે તો ગુજરાતી કાવ્ય અને ગઝલમાં તેમનું નામ ખુબ જાણીતું છે. મૂળ સુરતના વતની ગની દહીંવાલાએ અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો જ કરેલો છે. તેમણે ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦માં સુરત જઈ દરજી તરીકે કામ કર્યું.

સુરતમાં તેમણે સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. તેઓ 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય રહી ચૂક્યા છે. ઇ.સ ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન કરવાનું કામ તેમણે કર્યું હતુ.

ગાતાં ઝરણાં (૧૯૫૩), મહેક (૧૯૬૧), મધુરપ (૧૯૭૧), ગનીમત (૧૯૭૧), અને નિરાંત (૧૯૮૧) એ તેમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ભીખારણનું ગીત કે ચાલ મજાની આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે. પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં જ છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ તેમની આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.

તેમનું મૃત્યુ  5 માર્ચ, 1987 ના રોજ થયું હતું.

ગની દહીંવાલા લખે છે કે,

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

 

Artists, Classics, kavi, Lyricists, shayar

દાદુદાન પ્રતાપદાન મીસણ – લોકપ્રિય કવિ દાદબાપુ

પૂ. કાગ બાપુના પેગડામાં પગ મૂકવાની નરવી શક્તિ ધરાવતા કવિ દાદ, લોકહૈયાના અગોચર ખૂણે રમતા ઋજુભાવોને પોતાના કાવ્યમાં મુગ્ધ ઝરણા જેવી મધુરી, રમતિયાળ શૈલીમાં આલેખે છે. કવિ દાદ ઉત્તમ દરજ્જાના લોકમાન્ય અને લોકભોગ્ય ચારણ કવિ છે.

કવિ દાદની અતિપ્રસિદ્ધ, અવિસ્મરણીય અને અદભુત કવિતા એટલે ‘કાળજા કેરો કટકો’. માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં બલકે વિશ્વભરમાં જ્યાં અને જ્યારે પણ કોઈ લોકગાયક આ ગીત ગાય ત્યારે ગમે તે ઉંમરની દિકરીના મા-બાપની આંખો ભીની થઈ જતી હોય છે. સાવ નવીન કલ્પનાઓને આલેખતી કવિ દાદની અમર રચના એટલે ‘ઠાકોરજી નથી થાવું’.

તેઓ આઈ આવડને ચરજ રૂપે આરધતા લખે છે કે, ‘આવડ તું ઉપરેં ઓ રે, બાઈ તુંને બાળ બોલાવે’. તેમની રચનાઓમાં શબ્દનો પ્રચાર નહીં પણ અંતરનો ઉપચાર છે.

દાદુદાન પ્રતાપદાન ગઢવીની સાહિત્ય-સાધનાની અર્ધી સદી થઈ છે. કવિ દાદએ કાળજો કેરો કટકો, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, હિરણ હલકાળી જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્યસંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ છે.

કવિ દાદએ આઠ જેટલા કાવ્ય સંગ્રહો આપીને ગુજરાતી લોકસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેઓ છેલ્લી અડધી સદીથી પોતાના મધુર કંઠેથી સાહિત્ય તથા કાવ્યોની રસલ્હાણ પણ પીરસી રહ્યા છે.

 

 

Classics, Gazal, Gujarati Songs, kavi, Lyricists, shayar

ઓજસ પાલનપુરી

ઓજસ પાલનપુરી એ સૈયદ લાલમિયાં ઉર્ફે લાલ પાલનપુરીના પૌત્ર હતા. વિખ્યાત ફિલ્મ મુઘલ-એ-આઝમની સ્ટીલ ફોટોગ્રાફી કરનાર જનાબ એ.એલ. સૈયદના તેઓ સગા ભત્રીજા. માત્ર છ ચોપડી ભણેલા ઓજસ પાલનપુરીનું ઊર્દૂ અને ગુજરાતીનું વાંચન વિશાળ હતું. પણ અવાજ, માંદગીની મર્યાદાના કારણે તેઓ મુશાયરાઓમાં ધાર્યો પ્રભાવ પાડી શકતા નહીં. ૪ ઑક્ટોબર ૧૯૬૮ના રોજ પાલનપુરમાં જ સાપ કરડવાથી તેમનું મોત થયેલું. તેમની હયાતીમાં તેમનો કોઈ ગઝલ સંગ્રહ પ્રસિદ્ધ ન થતા, તેમના મૃત્યુ બાદ તેમના મિત્ર રજની પાલનપુરીએ તેમનો એકમાત્ર સંગ્રહ ‘ઓજસ’ પ્રગટ કરેલો. ઓજસ પાલનપુરીએ અનેક ઉત્તમ શેર લખ્યાં પરંતુ તેમની ઓળખ તો તેમના આ એક જ શેરના કારણે બંધાઈ હતી –

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

Artists, Classics, kavi, Lyricists, shayar

શેખાદમ આબુવાલા

શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ગુજરાતીઓમાં શેખાદમના ઉપનામથી જાણીતા બનેલા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા. તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.

ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ સંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. અજંપો (૧૯૫૯), હવાની હવેલી (૧૯૭૮), સોનેરી લટ (૧૯૫૯), ખુરશી (૧૯૭૫), તાજમહાલ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,

તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,

મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

આ પંક્તિઓ છે કવિ-ગઝલકાર શોભિત દેસાઈની. ભાષા અને લાગણીઓનું સંમિશ્રણ તેમની રચનાઓ માં જોવા મળે છે. હાલ તેઓ મુંબઈમાં સ્થિત છે. શોભિત દેસાઈને ગઝલ પાઠ કરતા સાંભળવા એ એક લાહવો છે.

તેઓ સંચાલક તરીકે ખૂબ જ જાણીતા અને માનીતા છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

શૂન્ય પાલનપુરી

અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌, જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે. શૂન્ય પાલનપુરી ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.

૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ‘રુસ્વા’ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ, જેમણે ‘શૂન્ય’ ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું. તેઓ પાલનપુરની “અમીરબાઈ મિડલ સ્કૂલ”માં શિક્ષક રહ્યા હતા.

માર્ચ ૧૭, ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે તેઓ અવસાન પામ્યા હતા.

Artists, Classics, kavi, Lyricists, shayar

શ્યામલ – સૌમિલ મુન્શી – ગુજરાતી સંગીતનું ખૂબ જાણીતું નામ

શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો, વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. શ્યામલ મુનશી વ્યવસાયે ડોક્ટર છે છતાં સ્વરાંકન અને ગાયનક્ષેત્રે આગવી શૈલી વિકસાવી છે. જ્યારે સૌમિલ અને આરતી મુનશીએ સુમધુર અવાજ અને ભાવવાહી અભિવ્યક્તિ દ્વારા ઓળખ ઊભી કરી છે. આ ત્રિપુટીએ મોરપિચ્છ, મોસમ તારી યાદની, મિજલસ, મનડે મહોર્યા ગુલમહોર અને 1પ0 બાળકોને લઇને મેઘધનુષ જેવા કાર્યક્રમો કર્યા છે. તેમની 39 બાળગીતોને સમાવતી બે સેટની અનોખી કેસેટ `મેઘધનુષ’ 1994માં પ્રસિદ્ધ થયા પછી લોકપ્રિય નિવડી છે. સંગીતક્ષેત્રે કાર્યરત રહેવા માટે શ્યામલ-સૌમિલ કેટલાક વર્ષોથી `ટચિંગ ટયુન્સ’ નામે મ્યૂઝિક કંપ્ની શરૂ કરી છે. ટચિંગ ટયુન્સે ચંચલ, શીતલ, નિર્મલ અને કોમલ એમ ચાર જુદા જુદા કન્સેપ્ટને આધારે વૈવિધ્યપૂર્ણ કેસેટ્સ બહાર પાડવાનું નક્કી કર્યું છે. આ ચારેય વિભાવનાઓ દ્વારા બાળકોથી માંડીને વડીલો સુધી તમામને ગમે એવું સંગીત આપવાનું આયોજન ટચિંગ ટયુન્સનું છે. શ્યામલ-સૌમિલે `શીતલ’ શ્રેણી અંતર્ગત `હસ્તાક્ષર’ નામનો સુગમ સંગીતનો છ કેસેટ્સ અને સીડીઝનો સેટ બહાર પાડયો છે. ‘સ્વરસેતુ’ અને `શબ્દસેતુ’ સંસ્થા દ્વારા સાહિત્ય અને સંગીત, તથા નવા કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરુ પાડી રહ્યા છે. તેઓ માને છે કે કોઈપણ ભાષાનું સાહિત્ય કે સંગીત એ ભાષા પર કરેલા હસ્તાક્ષર છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

સુરેશ જોશી

સુરેશ જોશી આમ તો મૂળ ગુજરાતમાં આવેલા ઊનાના. પિતાજી હાર્મોનિયમ વગાડે અને માતા સુંદર ગાય એટલે સંગીતનું વાતાવરણ સુરેશભાઇને ગળથૂથીમાં મળ્યું હતું. અલબત્ત, ખાસ સમજણ વિના. 1ર વર્ષની વયે તો તેઓએ સ્વરાંકનો કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકોટની એન્જિનિયરીંગ કોલેજમાં ભણતાં ત્યારે પરેશ ભટ્ટ, ભદ્રાયુ ધોળકીયા, અનંત વ્યાસ જેવા સુગમ સંગીતપ્રેમીઓને મળવાનું થતું. એમની સાથે સુગમસંગીતની બેઠકોથી સંગીતની ભૂખ વધુ ઊઘડી અને ઉતરોત્તર સંગીતમાં રસ વધતો ગયો.

એ દરમિયાન આકાશવાણી સાથે સંકળાયેલા ઉપેન્દ્ર ત્રિવેદીએ રેડિયોમાં યુવાવાણી કાર્યક્રમ માટે એમને ગાવા બોલાવ્યા અને પછી રેડિયો ઓડિશન પણ આપ્યું જેમાં એમની વરણી થઈ. ત્યારબાદ તેઓ મુંબઈ ગયા જ્યાં લગભગ છ-સાત વર્ષ ઉદય મઝુમદાર સાથે કામ કર્યું. આજે તો સંગીત ક્ષેત્રે તેઓ એક જાણીતું નામ બની ચૂક્યા છે. સુરેન ઠાકર `મેહૂલ’ સાથે મળીને `ગીતગંગોત્રી’ શીર્ષક હેઠળના કાર્યક્રમમાં નરસિંહ મહેતાથી રમેશ પારેખ સુધીની કવિતાઓ જુદા જુદા સ્વરુપે રજૂ કરી. તો મહાવીર સ્વામીના જીવનથી નિર્વાણ સુધીના કાળ પર એક સંગીત આલબમ કરી રહ્યા છે. એસએનડીટી માટે અખો-કબીર સાહિત્યિક કૃતિ કરી છે અને કલાપીના એ સમયના સંગીતને ધ્યાનમાં રાખીને સ્વરાંકનો તૈયાર કર્યા છે.

તેઓ કહે છે કે,`યુવા પેઢીને ગુજરાતી સંગીત સાંભળતી કરવા થોડી મહેનત કરવી પડે છે, પણ એ જરૂરી છે. કલાકારોએ પણ પોતાનું દાયિત્વ સમજીને યુવાપેઢીને શીખવાડતા રહેવું જોઇએ.’

Artists, Classics, Gazal, Gujarati Songs, Light Vocal, Lyricists, Samanvay, shayar

શબ્દોથી અમૃતપાન કરાવતા શાયર – ઘાયલ!

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું

આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ઘાયલ

પોતાની કાવ્યશક્તિને સંજીવની સમજતાં આ શાયર મૂળે તો રાજકોટના વતની. નામ તેમનું અમૃતલાલ ભટ્ટ. પણ મોટેભાગે તેઓ ઓળખાયા અમૃત ‘ઘાયલ’ના નામથી. અમૃત ઘાયલનો જન્મ 19 ઑગસ્ટ 1916ના રોજ રાજકોટના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે તેમણે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં જ સ્થાયી થયા હતા.

પોતાના વ્યવસાયથી સાવ જુદી જ દિશા પકડીને તેઓ શાયરી તરફ વળ્યા. મુશાયરામાં તેઓ તેમની રજૂઆતની આગવી શૈલી માટે જાણીતા છે. તેમની ગઝલમાં મુલાયમ ભાવો અને સરળતા સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. તેમની ઘણી ગઝલોને સ્વરબદ્ધ કરવામાં આવી છે.

અમૃત ઘાયલે 25 ડિસેમ્બર 2002ના રોજ જગતમાંથી વિદાય લીધી હતી. પરંતુ, શબ્દદેહે તો તેઓ આજે પણ આપણી વચ્ચે હાજર છે.

જલસો મ્યુઝિક એપમાં આપ અમૃત ઘાયલની સ્વરબદ્ધ કરેલી ઘણી રચનાઓ સાંભળી શકો છો. ખૂબ જાણીતા ગાયિકા માયા દીપકે તેમના અવાજમાં એક ગઝલ આલ્બમ રજૂ કર્યું છે. “ઘાયલની મસ્તી” નામના આ આલ્બમમાં ખરેખર ‘ઘાયલ’ની મસ્તી અનુભવાય છે. એક અનન્ય ભાવ પ્રગટાવતો આ આલ્બમ ગઝલ રસીયાઓને સંભાળવાની મજા પડે એવો  છે.

BY – PRACHI JANI