Few compilations & songs available on Jalso Gujarati Music App

Artists, Classics, Gazal, Gujarati Songs, kavi, Light Vocal, Lyricists, Samanvay

કવિ અનિલ જોશી – ગોંડલથી મુંબઈ સુધી વ્યાપેલા કવિ

 

ગુજરાતી સાહિત્યમાં અનિલ રમાનાથ જોશીનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. ગોંડલમાં તારીખ 28/07/1940ના રોજ જન્મેલા કવિ અનિલ જોશી છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં કાર્યરત છે.

મોટેભાગે પદ્યના ક્ષેત્રમાં સર્જન કરનાર કવિ અનિલ જોશી ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના કવિ છે, તેમાં કોઈ બેમત નથી. કવિએ પોતાનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પહેલા ગોંડલ અને પછી મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેમણે ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર તથા  અમરેલીમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.

આ ઉપરાંત, કવિ અનિલ જોશી પાંચ વર્ષ (૧૯૭૧થી ૧૯૭૬) સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી પણ રહી ચૂક્યા છે. વાડીલાલ ડગલીના અંગત મદદનીશ તરીકે તેમણે ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદકનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. વર્ષ ૧૯૭૭થી આજ પર્યન્ત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે.

કવિ અનિલ જોશીની કવિતા તેમના વાંચકોને એક અલગ જ ભાવ વિશ્વમાં લઈ જાય છે. તેમણે ગુજરાતી પદ્ય સાહિત્યને કવિતાઓનીસ ભેટ આપીને ઘણું જ સમૃદ્ધ કર્યું છે. કવિ અનુલ જોશીની કવિતાઓ તમે જલસો મ્યુઝિક એપના માધ્યમથી સાંભળી શકો છો.

 

Abhinetri, Actors, Classics, Film Music, Gujarati Songs

જાજરમાન ગુજરાતી અભિનેત્રી : આશા પારેખ

ગુજરાતી મૂળના હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખ એટલે એક અત્યંત જાજરમાન વ્યક્તિત્વ. તેમને માત્ર અભિનેત્રી આશા પારેખ કહેવું યોગ્ય ના ગણાય. ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધારવનાર આ અભિનેત્રીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી આપવામાં આવ્યો છે. માટે અભિનેત્રી આશા પારેખ નહીં, પરંતુ પદ્મશ્રી અભિનેત્રી આશા પારેખ કહેવું વધું ઊચિત રહેશે.

આશા પારેખનો તારીખ 2 ઑક્ટોબર,1942ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી મૂળ ધરાવતાં હિન્દી ફિલ્મોનાં સફળ અભિનેત્રી છે. માત્ર અભિનય ઉપરાંત તેમણે નૃચ્યકલામાં પણ કુશળતા પ્રાપ્ત કરેલી છે. હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે પોતાના અભિનયના અજવાળાં પાથર્યાં છે.  અખંડ સૌભાગ્યવતી, કુળવધુ વગેરે તેમની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો છે.

આશા પારેખ હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તેઓ તેમની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે પણ તેમણે વર્ષ ૧૯૬૩માં અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા આપી હતી. આ ગુજરાતી ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી.

આશા પારેખ આજીવન કુંવારાં રહ્યા છે. એટલું જ નહીં, તેમનું નામ ક્યારેય પણ કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં નથી આવ્યું. કદાચ તેમના સમયના અભિનેતાઓ માટે આશાજી જેવાં જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હશે. માટે જ તેઓ આશાજીથી દૂર રહ્યા હશે. પોતાના માતા-પિતાનાં મૃત્યુ બાદ તેમણે પોતાનો વિશાળ બંગલો વેચીને એક નાના સરખા મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

વર્ષ ૨૦૦૨ના ફિલ્મફેરનો લાઈફટાઈમ એચિવમેન્ટ અવોર્ડ આશા પારેખને ખૂબ જ અદ્ભૂત અભિનયના અજવાળા પાથરવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.

By Prachi Jani

Artists, Classics, Film Music, Gujarati Songs, kavi, Light Vocal, Lyricists

બાલમુકુંદ દવે – આઇકોનિક ગીતકાર

ક્લાસિક ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દિકરો’નું આઇકોનિક ગીત ‘કેવા રે મળેલા મનના મેળ…’, જનાર્દન રાવલ અને હર્ષદા રાવલના સ્વરમાં છે તથા તેનું સ્વરાંકન ક્ષેમુ દિવેટિયાએ કર્યું છે, તે ગીત જેમની કલમે આકાર પામ્યું છે, તેવા ઉત્તમ કવિ બાલમુકુન્દ દવે, એ ગુજરાતી પદ્ય સાહિત્યનું અનોખું ઘરેણું છે.

પૂરું નામ, બાલમુકુન્દ મણિશંકર દવે. તેમનો જન્મ તારીખ 7 માર્ચ, 1916ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામે થયો હતો. કવિએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં તેમણે ‘સસ્તું સાહિત્ય વર્ધક’ કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. પત્રકારત્વ અને સાહિત્યની સેવા બદલ ૧૯૪૯માં તેમને કુમારચન્દ્રકથી સન્માનવામાં આવ્યા હતા.

બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમજ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન – આ બધાંએ એમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે;  તો તેમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમજ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળો આપ્યો છે. તેમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનાં કાવ્યો-ગીતો છે.

 

Artists, Classics, Gazal, Gujarati Songs, kavi, Lyricists, shayar

ગની દહીંવાલા – ગઝલની મીઠાશના કવિ

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. જેઓ ગની દહીંવાલાના નામે ગુજરાતી સાહિત્યરસિકોમાં જાણીતા છે. તેમનો જન્મ 17 ઑગસ્ટ, 1908ના રોજ થયો હતો. મૂળે તો ગુજરાતી કાવ્ય અને ગઝલમાં તેમનું નામ ખુબ જાણીતું છે. મૂળ સુરતના વતની ગની દહીંવાલાએ અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો જ કરેલો છે. તેમણે ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦માં સુરત જઈ દરજી તરીકે કામ કર્યું.

સુરતમાં તેમણે સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. તેઓ 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય રહી ચૂક્યા છે. ઇ.સ ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન કરવાનું કામ તેમણે કર્યું હતુ.

ગાતાં ઝરણાં (૧૯૫૩), મહેક (૧૯૬૧), મધુરપ (૧૯૭૧), ગનીમત (૧૯૭૧), અને નિરાંત (૧૯૮૧) એ તેમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ભીખારણનું ગીત કે ચાલ મજાની આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે. પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં જ છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ તેમની આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.

તેમનું મૃત્યુ  5 માર્ચ, 1987 ના રોજ થયું હતું.

ગની દહીંવાલા લખે છે કે,

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

 

Artists, Classics, Composers, Film Music, Gujarati Songs, Lyricists, Singers

ગીતકાર અને સ્વરકાર નીનુ મઝુમદાર

ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કલાનું કોમ્બિનેશન ભાગ્યે જ કોઈકમાં એકસાથે જોવા મળે. નિનુ મજુમદાર તેમાંના એક હતા. આ માટે જ અવિનાશ વ્યાસે તેમને `બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉત્સાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મજમુદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.

તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નીનુભાઇએ લોકસંગીતમાં સંશોધન કર્યું છે અને સૂરદાસ તથા અન્ય સંતકવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે. તેમણે બાંસુરીવાદનના કાર્યક્રમો આપ્યા છે. તેમની રચનાઓમાં સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ અને અગાધ જ્ઞાન જોવા મળે છે. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે. સરદાર અખ્તર સાથે `ઉલઝન’માં, અમીરભાઇ કર્ણાટકી સાથે `પરિસ્તાન’માં અને મીનાકપૂર સાથે `ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજકપૂરની સૌપ્રથમ ફિલ્મો `જેલયાત્રા’ અને `ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. ફિલ્મ `ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત – આઇ ગોરી રાધિકા ને શબ્દોમાં સહેજ ફેરફાર કરીને એ જ તરજ સાથે ફિલ્મ `સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં લેવામાં આવ્યું હતું. એ ગીત હતું – યશોમતી મૈયા સે બોલે નંદલાલા. બાળકો માટે તેમણે સંખ્યાબંધ સંગીતનાટિકાઓ અને ગીતો લખ્યાં છે. રાષ્ટ્રીયસ્તરે પણ એમનું ગીત – આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઇનાં નથી – પસંદગી પામ્યું છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સમારોહ માટે જુદી જુદી ભાષાઓમાંથી સર્વશ્રેષ્ઠ રચનાઓની પસંદગી સરકાર દ્વારા થતી હોય છે તેમાં ગુજરાતી ભાષામાંથી નિનુભાઇની આ રચના પસંદ થઇ છે. 1954થી નિનુભાઈએ ઓલ ઈન્ડિયા રેડિયો – મુંબઈ માટે 20 વર્ષ સુધી લાઈટ મ્યૂઝિક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ઓખાહરણ અને શરદપૂનમ જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું છે. નિનુભાઈનો સમગ્ર પરિવાર શબ્દ અને સૂર સાથે જોડાયેલો છે. નિનુભાઈ હવે હયાત નથી પણ એમના ઘરનો સૂરવૈભવ આજે પણ સમૃદ્ધ છે. નિનુભાઈના પત્ની કૌમુદી મુન્શી (પ્રખ્યાત ગાયિકા), ત્રણ દીકરીઓ રાજુલ મહેતા (ગાયિકા), સોનલ શુકલ (સોશિયલ એક્ટિવિસ્ટ), મીનળ પટેલ (અભિનેત્રી) તથા સૌથી નાનો દીકરો ઉદય મઝુમદાર (સ્વરકાર-ગાયક) છે, જેઓ પણ ગુજરાતી ગીત-સંગીતની દુનિયામાં સારી નામના મેળવી ચૂક્યા છે.

Classics, Gazal, Gujarati Songs, kavi, Lyricists, shayar

ઓજસ પાલનપુરી

ઓજસ પાલનપુરી એ સૈયદ લાલમિયાં ઉર્ફે લાલ પાલનપુરીના પૌત્ર હતા. વિખ્યાત ફિલ્મ મુઘલ-એ-આઝમની સ્ટીલ ફોટોગ્રાફી કરનાર જનાબ એ.એલ. સૈયદના તેઓ સગા ભત્રીજા. માત્ર છ ચોપડી ભણેલા ઓજસ પાલનપુરીનું ઊર્દૂ અને ગુજરાતીનું વાંચન વિશાળ હતું. પણ અવાજ, માંદગીની મર્યાદાના કારણે તેઓ મુશાયરાઓમાં ધાર્યો પ્રભાવ પાડી શકતા નહીં. ૪ ઑક્ટોબર ૧૯૬૮ના રોજ પાલનપુરમાં જ સાપ કરડવાથી તેમનું મોત થયેલું. તેમની હયાતીમાં તેમનો કોઈ ગઝલ સંગ્રહ પ્રસિદ્ધ ન થતા, તેમના મૃત્યુ બાદ તેમના મિત્ર રજની પાલનપુરીએ તેમનો એકમાત્ર સંગ્રહ ‘ઓજસ’ પ્રગટ કરેલો. ઓજસ પાલનપુરીએ અનેક ઉત્તમ શેર લખ્યાં પરંતુ તેમની ઓળખ તો તેમના આ એક જ શેરના કારણે બંધાઈ હતી –

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

Artists, Classics, Gujarati Songs, kavi, Lyricists

રાવજી પટલે – નાની ઉંમરે અસ્ત થયેલો સૂરજ

રાવજી છોટાલાલ પટેલ એટલે આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં તારીખ ૧૫ નવેમ્બર, ૧૯૩૯ના રોજ થયો હતો. તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ અંગત ઇ.સ. ૧૯૭૧માં તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો. તેમનું મૃત્યું ૧૦ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ થયું હતું.

પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં લીધા બાદ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. કર્યું અને નાણાંકીય મુશ્કેલીઓને કારણે આર્ટસ કૉલેજમાં માત્ર બે વર્ષ સુધીનો અભ્યાસ કરી શક્યા. તેમણે અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી. તેઓ થોડો સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા. થોડો સમય અમીરગઢ અને આણંદમાં રહ્યા બાદ તેઓ માત્ર ૨૯ વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમાં અવસાન પામ્યા.

તેમને ૧૯૬૬-૬૭ના વર્ષ માટે ઉમા – સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. ગુજરાતી ચલચિત્ર કાશીનો દીકરોમાં તેમના ગીત મારી આંખે કંકુના સુરજ આથમ્યાનો સમાવેશ થયો છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે. આ ગીત ગુજરાતી સાહિત્યના પ્રવાહ અને શૈલીમાં ઘણો ફેરફાર લાવ્યું જે હવે આધુનિક ગુજરાતી સાહિત્ય ગણાય છે. તેના શબ્દો છે –

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો

રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

આ રચના રાવજી પટેલની છે જે ખૂબ જાણીતી છે.

Artists, Classics, Gujarati Songs, kavi, Lyricists

રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ

ચરોતરે ગુજરાતને ઘણાં ઉત્તમ સાહિત્યકારો આપ્યા છે. રઘુનાથ બ્રહ્મભટ્ટ તેમાંના એક છે. ખેડા જીલ્લાના નડિયાદ ગામના તેઓ વતની હતા.

રસકવિ શ્રી ગુજરાતી રંગભૂમિ રઘુનાથ બ્રહ્મભટ્ટને વન્સમૉરની શૃંખલા રચનાર ગીતકાર તરીકે હંમેશ યાદ રાખશે. એક પછી એક એવી ઉત્તમ કાવ્યો-ગીતો અને નાટકોના રચયિતા હોવા છતાં પણ સૌ લોકો તો એમને રસકવિથી વધુ જાણે. તેનું કારણ એ કે જ્યારે એ ગાય ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલમાં’, ત્યારે ભલે નાગરવેલીઓ રોપાઇ હોય રાજમહેલમાં, પણ તેની મહેંક તો ચારેબાજુ પ્રસરી હોય. રસકવિ નાગરવેલીઓ રોપાવે કે સાહ્યબાને ગુલાબનો છોડ કહે, રસીલી નારીઓ લવિંગ કેરી વેલ થવા તૈયાર થઈ જ જાય. તેમના ગીતો લોકગીત હોય એવી અને એટલી ખ્યાતિ પામ્યા છે અને ગરવી ગુજરાતણોએ તેને હોંશે હોંશે વધાવ્યા છે. કવિએ એમની રચનાઓ શૃંગારરસથી ભલે શણગારી હોય, પરંતુ તેમાં ક્યાંય સુરુચિભંગ થયાનો અણસાર સુધ્ધા નહોતો.

ભલે એ રસકવિ તરીકે ખ્યાતિ પામ્યા પણ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે નાટકો પણ લખ્યા. પૌરાણિક કથાબીજવાળા એમના નાટકો સફળતાને વર્યા અને નાટકો પણ પાછા કેવા ? કવિતાપ્રધાન. તેમના નાટકો ગીતોના લીધે વધુ યશ પામ્યા. એમનું આ યોગદાન ગુજરાતી રંગભૂમિ માટે ચિરંતન સંભારણું બની ગયું.

સુપરહિટ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’નું હિન્દી ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’ મંદિરો અને યાત્રાધામોમાં લોકપ્રિય ભજનની જેમ ઠેર-ઠેર સાંભળવા મળશે. પરંતુ ‘મુગલ-એ-આઝમ’ના પ્રતિષ્ઠિત ડાયરેક્ટર કે.આસીફે સાક્ષરભૂમિ નડિયાદના કવિ-નાટયકારની છપાયેલી ચોપડીમાંથી આ લોકપ્રિય ગીતની રીતસરની ઉઠાંતરી કરી હોવાનો ભારે વિવાદ દાયકાઓ સુધી ચાલ્યો હતો. આ ગીત અસલમાં જૂની ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે રસકવિ તરીકે જાણીતા રઘુનાથ બ્રહ્મભટ્ટે ‘મુગલ-એ-આઝમ’ રીલીઝ થઇ તેના ૪૦ વર્ષ પહેલાં લખ્યું હતું.

તેની ઐતિહાસિક વિગતો કવિના પૌત્ર અને મુંબઇના જાણીતા સેક્સોલોજીસ્ટ ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે ”મારા દાદાજીએ આર્યનૈતિક સમાજ નામની મુંબઇની નાટક મંડળી માટે ઇ.સ.૧૯૧૯માં આ ગીત લખેલું. એ સમયે આ નાટક કંપની બુંદેલખંડના રાજા છત્રસાલ ઉપર ‘છત્રવિજય’ નામનું નાટક ૧૧ લેખકની મંડળી પાસેથી લખાવતી હતી. તેમાં મારા દાદાજીએ આ ગીત લખેલું. તેમની આત્મકથા ‘સ્મરણમંજરી’ના પૃષ્ઠ ૧૦૦ ઉપર આ વિગતો છેક ૧૯૫૫માં છપાઇ છે, છતાં ૧૯૬૦માં આવેલા મોગલ-એ-આઝમમાં આ ગીત શકીલ બદાયુની નામના હિન્દી કવિનું હોવાનું લખાયું છે. દાદાજીએ ૧૯૧૯માં ‘મોહે પનઘટ પે’ લખેલું, જેની એક રેકર્ડ ઇ.સ.૧૯૨૫માં ધ ટ્વીન કંપનીએ બહાર પાડેલી. ત્યારબાદ ૧૯૩૨માં બંગાળી નૃત્યાંગના અને ગાયિકા ઇન્દુબાલાએ પણ આ ગીત ગાયેલું છે. આ બધી વાતો દાદાજીએ ‘ચિત્રપટ’ નામના અઠવાડીકમાં ત્રણ વર્ષ ચાલેલી આત્મકથાની કટારમાં સ્પષ્ટ લખેલી છે. છતાં ૧૯૬૦માં મુગલ-એ-આઝમમાં તેના કવિ તરીકેની ક્રેડિટ દાદાજીને આપવામાં આવેલી નહીં. આથી દાદાજી નડીઆદથી દોડીને મુંબઇ આવ્યા. કે.આસીફને મળ્યાં, પણ કાંઇ વળ્યું નહીં, ન છૂટકે તેમણે રાઇટર્સ એસોશિએશનમાં કાયદેસરની ફરિયાદ કરી. જેમાં કે.અબ્બાસ અને સાહીર લુધીયાનવી જેવા દિગ્ગજો ન્યાય કરવા બેઠેલાં. એમણે બધા જ પુરાવા જોયા અને વાત માની. એ વખતે ક્રેડિટ સ્વીકારાઇ, પણ અપાઇ નહીં. પછી વર્ષ ૨૦૦૪માં આ ફિલ્મ ફરીથી કલરમાં રી-લોન્જ થઇ. એ વખતે પણ દાદાજીને ક્રેડિટ અપાઇ નહીં. આથી અમારે બે વર્ષ સખત કાનુની લડાઇ કરવી પડી. જેમાં મુંબઇની જાણીતી લૉ-ફર્મ ‘ચીટનીસ એન્ડ વૈથી કંપની’ તરફથી સીનીયર લોયર શરદ ચીટનીસ સાહેબે એક પાઇ પણ લીધા વગર અમને ન્યાય અપાવ્યો.”

મુંબઇના સીનીયર લોયર શરદ ચીટનીસે ઉંમરના ૭૫ વર્ષે પણ દસ વર્ષ પહેલાની આ લડાઇ તરોતાજા રાખી છે. તેઓ કહે છે, મોગલ-એ-આઝમ ફિલ્મના હકો તેના મૂળ પ્રોડયુસર શાહપુરજી પાલોનજી-કંપની પાસેથી બોની કપૂરે ખરીદેલાં. હું ‘મોહે પનઘટ પે’નો આશિક હતો. ડૉ.રાજશેખરે મને જ્યારે તેના અન્યાય વિશે જણાવ્યું ત્યારે મારું લોહી ઉકળી આવ્યું. એક સાચા કવિને બેઇન્સાફી થાય તે ચલાવી લેવાય નહીં. અમે બધા પુરાવા સાથે બોની કપૂરના સોલીસીટરને મળ્યાં. હું એનાથી સીનીયર હતો, તેથી એણે મારી વાત સાંભળીને બોની કપૂરને સમજાવ્યા, અને બે વર્ષની માથાકૂટો પછી નવા કલર ફિલ્મની ટાઇટલ લાઇનમાં અમે ગીતકાર રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ અપાવી શક્યા.

મોહે પનઘટ પે નંદલાલ ગીત એક બાળક નંદલાલના નખરાં ઉપરથી લખાયેલું છે. કવિ ૧૯૧૮ આસપાસ આર્યનૈતિક સમાજ નામની નાટક મંડળીના માલિક નકુભાઇ શેઠને ત્યાં વાતોએ બેઠા હતા, ત્યારે એ શેઠનો પાંચ વર્ષનો દિકરો નંદલાલ (કે જે પાછળથી નંદલાલ નકુભાઇને નામે મોટી નાટક કંપનીના માલિક બન્યા) હારમોનિયમ ઉપર કૂદકા લગાવવા જતો’તો ત્યાં જ કવિને આ ગીતની પંક્તિ સુઝી, અને તેમણે પાસે પડેલી નાનકડી ચબરખીમાં તેનું મુખડું (પહેલી પંક્તિ) લખી નાંખેલી.

એમના ગીતો કે.સી.ડે અને ગીતાદત્તે પણ ગાયા હતા. આ કવિ ઉપર પી.એચ.ડી. કરનાર સાહિત્યકાર ડૉ.ચંપક મોદી કહે છે, કવિકાકા (રઘુનાથ બ્રહ્મભટ્ટ) અવ્વલ દરજ્જાના નાટયકવિ હતા. તેઓ આમ તો એક દાક્તરને ત્યાં કંપાઉન્ડરી કરતાં, પણ એમના કવિતા અને નાટકોના ત્રીસ જેટલાં પુસ્તકો છે. એ સમયના નાટકો અને ફિલ્મોમાં કવિકાકાના અઢળક ગીતો લોકપ્રિય થયેલાં. તેમણે નાટકના ગીતો લખવાનો આજીવન ભેખ ધરેલો. જૂની રંગભૂમિમાં તેમનું ‘બુદ્ધદેવ’ નાટક ખૂબ વખણાયેલું. એમના ગીતો આજેય ગુજરાતમાં અમર છે. જેવા કે,

સાયબો મારો ગુલાબનો છોડ’

નાગર વેલીઓ રોપાઓ તારા રાજ મહેલોમાં’

મારા તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ’

સાંભળે પ્રથણ મીલનની રાત’

પંખીડા જાજે, પારેવડાં જાજે’

 

Artists, Classics, Gazal, Gujarati Songs, Light Vocal, Lyricists, Samanvay, shayar

શબ્દોથી અમૃતપાન કરાવતા શાયર – ઘાયલ!

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું

આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ઘાયલ

પોતાની કાવ્યશક્તિને સંજીવની સમજતાં આ શાયર મૂળે તો રાજકોટના વતની. નામ તેમનું અમૃતલાલ ભટ્ટ. પણ મોટેભાગે તેઓ ઓળખાયા અમૃત ‘ઘાયલ’ના નામથી. અમૃત ઘાયલનો જન્મ 19 ઑગસ્ટ 1916ના રોજ રાજકોટના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે તેમણે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં જ સ્થાયી થયા હતા.

પોતાના વ્યવસાયથી સાવ જુદી જ દિશા પકડીને તેઓ શાયરી તરફ વળ્યા. મુશાયરામાં તેઓ તેમની રજૂઆતની આગવી શૈલી માટે જાણીતા છે. તેમની ગઝલમાં મુલાયમ ભાવો અને સરળતા સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. તેમની ઘણી ગઝલોને સ્વરબદ્ધ કરવામાં આવી છે.

અમૃત ઘાયલે 25 ડિસેમ્બર 2002ના રોજ જગતમાંથી વિદાય લીધી હતી. પરંતુ, શબ્દદેહે તો તેઓ આજે પણ આપણી વચ્ચે હાજર છે.

જલસો મ્યુઝિક એપમાં આપ અમૃત ઘાયલની સ્વરબદ્ધ કરેલી ઘણી રચનાઓ સાંભળી શકો છો. ખૂબ જાણીતા ગાયિકા માયા દીપકે તેમના અવાજમાં એક ગઝલ આલ્બમ રજૂ કર્યું છે. “ઘાયલની મસ્તી” નામના આ આલ્બમમાં ખરેખર ‘ઘાયલ’ની મસ્તી અનુભવાય છે. એક અનન્ય ભાવ પ્રગટાવતો આ આલ્બમ ગઝલ રસીયાઓને સંભાળવાની મજા પડે એવો  છે.

BY – PRACHI JANI

Artists, Gazal, Gujarati Songs, Lyricists

અમર પાલનપુરી : તરન્નુમના બાદશાહ (Amar Palanpuri)

ગુજરાતી વ્યાપારી માત્ર પૈસા જ ગણી શકે, તેવી વિચારણામાં સ્હેજ સુધારણા જરૂરી ખરી, હો! જલસો મ્યુઝિક ઍપ પર જેમની ગઝલો અને ગીતો ખૂબ જ સંભળાય છે, તેવા જાણીતા ગઝલકાર, ગીતકાર અને અભિનેતા અમર પાલનપુરીએ આપણી આ વિચારણામાં ફેરફાર લાવ્યા છે. તેઓ વ્યાપારી થઈને પૈસાની સાથે સાથે ગીતો-ગઝલોના અક્ષરો અને માત્રાઓ ગણતાં હોય છે.

જી, હા. અમર પાલનપુરી તરીકે ગુજરાતી ગઝલરસિયાઓના હ્રદયમાં સ્થાન પામનાર આ સર્જકનું મૂળ નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. મૂળ સૂરતના પ્રવિણ મહેતાએ, જાણીતા ગઝલકાર શ્રી શૂન્ય પાલનપુરીની સંગતના કારણે ગુજરાતી સાહિત્યમાં ઝંપલાવ્યુ હતુ. જ્યારે તખ્ખલુસ રાખવાની વાત આવી, ત્યારે તેમણે પોતાની આ મિત્રતાનો પ્રાસ બેસાડવા અમર પાલનપુરી ઉપનામ રાખ્યું અને તે તખ્ખલુસ આજે ખૂબ જ જાણીતું બન્યું છે.

અમર પાલનપુરી ગીતકાર અને ગઝલકાર હોવાની સાથે સાથે ખૂબ જ અચ્છા અભિનેતા પણ છે. પણ શું તમે જાણો છો, તેઓ વ્યાવસાયિક રીતે એક સાવ અલગ જ ઓળખ ધરાવે છે? આ ગઝલકાર આમ તો સૂરતના ડાયમંડના વ્યાપારી છે. હવે વિચારો, સાહિત્ય પ્રત્યેની તેમની ચાહ કેવી હશે, કે તેમને હિરાની ચમકથી વધુ રસ શબ્દોના પાસાં પાડવામાં પડ્યો!

અમર પાલનપુરી પરંપરાગત ઢબે જ ગઝલો અને ગીતોની રચના કરે છે. ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેઓ તરન્નુમના બાદશાહ તરીકે ઓળખાય છે.

અમર પાલનપુરીની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓને જાણીતા સ્વરકારોએ સ્વર આપ્યો છે. તેમની એક ગઝલની કેટલીક પંક્તિઓ, માત્ર તમારા માટે! તેમની આ ખૂબ જાણીતી રચના જાણીતા ગાયક શ્રી રાસબિહારી દેસાઈના સ્વરમાં તમે જલસો મ્યુઝિક એપમાં સાંભળી શકો છો!

જીવનમાં તો મળી નહોતી, કદી ફૂરસદ ઘડીભરની,

મરણ આવ્યું, કરો આરામ, કે લાંબી રજા આવી…

અને બીજી એક રચનામાં તેઓ લખે છે કે,

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,

કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે…

12