Trending Songs And Shows

Read More
Trending On Jalso

મલ્હાર અને કૉફી શૉટ્સ (Malhar & Coffee Shots)

એક સમયે થિએટર ઇન્ડસ્ટ્રી ચા અને મસ્કાબનના વળગણ માટે જાણીતી હતી. થિએટર્સની બહાર મોડી રાત સુધી ચા અને મસ્કાબનની મિજબાનીઓના કિસ્સાઓ અને પોતાના હિસ્સાઓ માટેની કચકચ અને તેની મીઠી યાદો ઘણી જાણીતી છે. વૌ ભી એક દૌર થા…

અલબત્ત, હાલ જેમ જેમ કૅફે કલ્ચર વધતું જાય છે, તેમ તેમ કૉફી અમદાવાદી કટિંગ ચાની જગ્યાએ હવે જાતભાતની કૉફીઓ વધારે પીવાય છે.

અને આ આખા પરિવર્તનના સમયમાં જો કંઇક ફેમસ થયું હોય તો તે છે, મલ્હાર ઠાકર અને તેમનો કૉફી પ્રેમ.કૉફીને ચાહીને સતત તેને એક કમ્પેનિયનની જેમ પોતાની પાસે રાખતાં મલ્હારના કૉફી પ્રેમ વિશે આજે થોડી વધુ વાતો કરીએ.

આપણે જાણીએ છીએ તેમ મલ્હાર ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે કૉફી શોધી લે છે અને તેનો આસ્વાદ માણતાં જોવા મળે છે. ક્યારેક ફેન્સના કૅમેરાથી કે ક્યારેક કોઈ પેપેરાઝી પેજ પર, મલ્હાર કોઈકને કોઈક રીતે કૉફી સાથે ઝડપાઈ ચોક્કસ જાય છે.

પણ શું તમે જાણો છો કે મલ્હાર કૅફેઝમાં જેટલાં અવનવાં પ્રકારની કૉફીઓ પીવે છે, તેટલાં જ પ્રકારની કૉફીઝ ઘરે પણ બનાવી શકે છે. પાછો જાતજાતની કૉફી ફ્લેવર્સ વચ્ચે શું તફાવત છે, તે પણ તે બખૂબી સમજાવી શકે છે. અમેરિકાનો, લાતે, કૅપેચિનો, એસ્પ્રેસો, રેડ આઇ, ડોપિયો, કોર્ટાડો, મૉકા, આઇરિશ વગેરે જે નામો આપણે મેન્યુઝમાં વાંચીએ છીએ, તે કૉફીઝ વચ્ચેનો ખરો તફાવત આપણે જાણીએ છીએ ખરાં? મલ્હાર આ તફાવત સમજાવતાં કહે છે કે, ‘ મૉકા એ આજકાલ ખૂબ પીવાતો કૉફી પ્રકાર છે. તેમાં બેઝિકલી ગ્લાસની સૌથી નીચે  કૉફીનો એસ્પ્રેસો શૉટ આવે, તેની પર ચૉકલેટ સિરપ આવે, ઉપર સ્કીમ મિલ્ક – એટલે કે મલાઈ વગરનું દૂધ આવે અને તેની ઉપર ફીણવાળું ફ્રૉથ મિલ્ક આવે. હવે આ કૉફીને જેમ જેમ મિક્સ કરો, તેમ તેમ કૉફી – ચૉકલેટ સિરપ અને દૂધ એકરસ થતું જાય છે. મૉકામાં ચૉકલેટની મિઠાશ ઉમેરાય તેથી વધારાની ખાંડની જરૂર પડતી નથી.’

આ આખી વાત સમજાવતાં મલ્હારની આંખોમાં જે મૉકા બ્રાઉન ચમક હતી, તે જ કૉફી માટેનો તેમનો પ્રેમ દર્શાવે છે. ‘અચ્છા, હવે આ જે એસ્પ્રેસો શૉટ્સ હોય છે તે જ મૂળ કૉફી કહી શકાય. કૉફીનો અર્ક એટલે આ એસ્પ્રેસો. કૉફી બીન્સને પ્રેસ કરતાં કરતાં તેમાં સ્હેજ સ્હેજ પાણી ઉમેરીને જે લિક્વિડ કૉફી સિરપ તૈયાર થાય છે, તે ડિરેક્ટલી સર્વ થાય, તેને એસ્પ્રેસો કહેવાય.‘ આ સમજ મલ્હાર આપતાં આપતાં કહે છે કે ‘હું આ તમામ પ્રકારની કૉફી જાતે પણ બનાવું જ છું.’ આ વાત આપણે માનવી જ રહી, કારણ કે મલ્હારના કિચનમાં અત્યાધુનિક કૉફી મેકર્સ પણ અવેલેબલ છે.

હવે કડક મીઠી ચા પીનારા ગુજરાતીઓને કડવી અમેરિકાનો કૉફી ભાવે ખરી? આ સવાલનો જવાબ તો તમારે મને આપવો પડશે. પણ આ અમેરિકાનો શું છે, તેનો જવાબ મલ્હાર આપે છે. ‘અમેરિકાનો એટલે મૂળે બ્લૅક કૉફી. એક શૉટ એસ્પ્રેસો અને ગરમ પાણી. આ જ અમેરિકાનો કૉફી.’

મલ્હાર પોતે નોન આલ્કોહોલિક છે તે વાત આમ તો જગજાહેર છે. છતાં તે એક એવી કૉફી વિશે પણ જાણે છે, જે ગુજરાતની બહાર રમ સાથે પીરસવામાં આવે છે. આઇરિશ કૉફી. અલબત્ત, આ કૉફી ગુજરાતમાં સ્હેજ અલગ રીતે મળે છે. મલ્હાર કહે છે કે ગુજરાતમાં બ્લેક કૉફીના માઇલ્ડ શૉટની ઉપર ફ્રૉથ અથવા સ્હેજ સ્ટ્રૉંગ વ્હિપ્ડ ક્રિમ પાથરીને આઇરિશ કૉફી પીરસવામાં આવે છે. આ કૉફી મિલ્ક કૉફી નથી.

છે ને મલ્હારનો ગજબનો કૉફી પ્રેમ?

From the console

વાચિકમ્ – ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાઓ લેખકો તથા વાચકો – બન્નેની ફેવરિટ રહી છે. આપણે કારણમાં નથી પડવું. પણ જો વાર્તાઓ ગમતી હોય, તો ‘વાચિકમ’ તમારા માટે જ છે. આ આખો બ્લૉગ તમારા માટે છે.

ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ્લિકેશન એટલે જલસો. જલસો પર વાંચિકમ્ નામના જલસો ઑરિજિનલ ટૅબમાં ગુજરાતી સાહિત્યની બેસ્ટ વાર્તાઓનું ડ્રામેટિક રિડિંગ અહિંયા સાંભળવા મળશે.

થોડુંક વિસ્તારથી સમજાવું? ઝવેરચંદ મેઘાણીથી લઈને રામ મોરી સુધીના મોટા ભાગના લેખકોની વાર્તાઓમાંથી અમુક ખાસ વાર્તાઓ સિલેક્ટ કરીને તેના સંવાદો અને વર્ણનને અલગ કરીને પૂરેપૂરી નાટ્યાત્મક રીતે પાત્રો તૈયાર કરીને તેને રૅકોર્ડ કરવામાં આવે છે. ત્યાર બાદ જરૂરીયાત પ્રમાણે તેમાં સંગીત ઉમેરીને એક આખો ટ્રૅક બનાવવામાં આવે છે અને જે તે લેખકના નામ સાથે તે વાર્તા વાંચિકમ્ ટૅબમાં મૂકવામાં આવે છે.

ખાતરી સાથે એવું કહી શકાય, તે વાર્તા સાંભળતા સાંભળતા તમે તેમાં ખોવાઈ શકો છો. વાર્તા જાણે તમારી આંખ સામે ફિલ્મની રીલની જેમ પસાર થવા લાગશે.

ચંદ્રકાન્ત બક્ષીની એક સાંજની મુલાકાત, જયંત ખત્રીનું લોહીનું ટીપું ઉપરાંત, ધૂમકેતુની રજપૂતાણી અને પોસ્ટઑફિસ, વિનેશ અંતાણીની વેશ અને કૌશિકીની વિદાય, કુંદનિકા કાપડિયાની સંપૂર્ણ સુંદર પળે જેવી ઉત્તમમાં ઉત્તમ વાર્તાઓનું બેસ્ટ કલેક્શન જલસો પાસે છે.

વાચિકમની મજા એ છે કે તમે તેને તમારા બીજા કામોની સાથે પણ સાંભળી શકો છો. વાર્તાઓ વાંચવા માટે જે ખાસ સમય ચોરવો પડે છે, તેનું સમાધાન વાચિકમ દ્વારા થઈ જાય છે. મારી વાત માનો તો વાચિકમ્ એ બેસ્ટ ડ્રાઇવિંગ ઑપ્શન બની શકે છે.

 

 

From the console

રણક : સંગીતને થોડાંક વધુ સંગીતમય બનાવતાં જલસો ઑરિજિનલ્સ

વરસાદી ભીનાશભર્યા વાતાવરણમાં સંગીતના સૂરો ભળે છે, ત્યારે આસપાસ બધું જ થોડુંક વધારે ચોખ્ખું લાગતું હોય છે. જલસોના સ્ટુડિયો પર પણ બધી જ પીળી લાઇટ્સ થોડીક વધારે બ્રાઇટ લાગે. આ ઋતુની અસર જ એવી થાય છે કે બધી જ વસ્તુઓના રંગો વધારે ખીલી ઊઠે છે.

તમે જો જલસોને સોશિયલ મીડિયા પર ફૉલો કરતાં હશો તો તમને ખબર જ હશે કે જલસોની ઑફિસનું વાતાવરણ કેટલું સંગીતમય હોય છે. અને કેમ ના હોય? જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક ઍપ છે. આ વાતાવરણ થોડુંક વધારે સંગીતમય ત્યારે બન્યું, જ્યારે જલસો પર ‘રણક’ નામના નવા પૉડકાસ્ટનું રેકોર્ડિંગ અને શૂટિંગ શરૂ થયું હતું.

રણક પૉડકાસ્ટ એટલે ગુજરાતી ગીતોનું માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન. કુલ 8 કલાકારોએ મળીને તમારા માટે જાણીતા ગુજરાતી વરસાદી ગીતોને માત્ર એકાદ-બે વાદ્યો પર વગાડીને રજૂ કર્યા છે. જલસો મ્યુઝિક ઍપ પર આ ગીતો તમને સરળતાથી ‘જલસો ઑરિજિનલ’ ટૅબમાં મળશે.

રણક પૉડકાસ્ટની પડદા પાછળની, સ્ટુડિયોની અંદરની વાતો કરીએ તો જલસો ટીમને આ વિચાર ઘણાં સમયથી આવતો હતો કે ગુજરાતી ગીતોના ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન્સ કેમ ના હોય? ઘણું વિચારીને આ વિચારોને ફળિભૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સૌપ્રથમ આ વિચાર કેટલાંક કલાકારો સાથે શૅર કરવામાં આવ્યો. જેમાંથી કુલ 8 કલાકારો સમયની અનુકૂળતા ફાળવી શક્યા અને તેમણે જાણીતા ગુજરાતી વરસાદી ગીતો પર સુંદર મઝાના ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રૅક બનાવી આપ્યા. તેનું પેકેજિંગ અને ફાઇનલ વર્ઝન તૈયાર થયું જલસોના સ્ટુડિયોમાં.

જલસો ટીમ દ્વારા આ આખા કૉન્સ્ટેપ્ટને મૂર્તિમંત કરવામાં ઘણી જ મહેનત કરવામાં આવી છે. કલાકારોના ટ્રૅક તૈયાર થઈ ગયા પછી, તેમાં સાઉન્ડ એન્જિનીયરિંગની જરૂરીયાત પ્રમાણે અનેડર લે, ઇન્ટ્રો તથા આઉટ્રો મૂકીને એક આખું પેકેજ તૈયાર કરવામાં આવ્યું. ત્યાર બાદ સુંદર લોગો સાથે બધાં જ આર્ટિસ્ટના સૉલો ટ્રૅક ઉમેરીને આખું આલ્બમ જલસો ઍપ પર અપલૉડ કરવામાં આવ્યું.

આ તો થઈ બધી ટેક્નિકલ વાતો. મજા પડે એવી વાત તો આ આઠ કલાકારો અને તેમના સંગીતમાં છે. આ આલ્બમનું પહેલો ટ્રૅક એટલે કવિ તુષાર શુક્લનું ખૂબ જાણીતું ગીત – આંખોમાં બેઠેલા ચાતક કહે છે. જેનું સ્વરાંકન કર્યું છે નયનેશ જાનીએ. આ ટ્રૅકને દર્શન ઝવેરીએ કી-બૉર્ડ પર એટલી સુંદર રીતે બેસાડ્યો છે કે તમે વગર વરસાદે વરસાદી મૂડમાં આવી જશો.

બીજું ગીત છે, મારો સાહ્યબો. કવિ શ્રી તુષાર શુક્લના શબ્દોને શ્રી વિપુલ ત્રિવેદીએ સિતાર પર રજૂ કર્યું છે. તેમના સિતારના તાર આ ગીતને ખૂબ જ અદ્ભૂત રીતે રજૂ કરે છે.

તમે નરસિંદ મહેતાની સુંદર રચના – વા વાયાને વાદળ ઉમટ્યા– તો સાંભળી જ હશે ને? હવે જો આ રચના તમને માત્ર ફ્લુટ (વાંસળી) પર જ સાંભળવા મળે તો કેવી મજા પડે? આલાપ ત્રિવેદીએ આ ઉત્તમ રચનાને વાંસળીના સૂરોથી ખૂબ સુંદર રીતે સજાવી છે.

આજકાલ ન્યૂ એજ ગુજરાતી ફિલ્મોના ગીતોની ધૂન પર પણ ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. મેહુલ સૂરતી અવનવા ગીતો આપીને ગુજરાતી સંગીતને વધુ સમૃદ્ધ કરી રહ્યા છે. તાજેતરમાં આવેલી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું એક સુંદર ગીત – રંગ દરિયો, જેને પાર્થ તારપરાએ લખ્યું છે. રણકના ચોથા ટ્રૅક તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. સ્વપ્નિલ સિદ્ધેશ્વરએ આ ગીતને ગિટાર પર રજૂ કર્યું છે.

ગુજરાતી ભક્તિ સંગીતનો ઉલ્લેખ કરીએ અને ગંગાસતીના ભજનો યાદ ના આવે એવું બને? એક આડ વાત કરું, તો જલસો પર ભક્તિ સંગીતનું એક વિશાળ કલેક્શન જલસો મ્યુઝિક ઍપ પર અવેલેબલ છે, જેમાં દરેક ધર્મ, સંપ્રદાયને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે, વાત કરવાની છે વીજળીના ચમકારે ભજનની. ગંગાસતીના આ ભજનને હરમિશ જોશીએ સેક્સોફોન પર રજૂ કરીને એક સખત ફ્યુઝન પ્રકારનું સંગીત પીરસ્યું છે.

ગંગાસતીના આ ભજન જેવું જ એક સુંદર લોકગીત છે, મધરાતુના મોર. વનરાજ શાસ્ત્રીએ આ ગીતને સારંગીના તાર સાથે એવું તો વણ્યું છે કે આમ મોજ પડી જાય. આ ટ્રૅક માટે હું વધારે કંઈ નહીં કહું. તમે ભૂલ્યા વિના સાંભળજો.

મેઘાણી સાહેબે જ્યારે મોર બની થનગાટ કરે – લખ્યું હશે ત્યારનો માહોલ ખરેખર કેવો હશે? આવો પ્રશ્ન તમને ના થાય? જવાબ તો મળે તેમ નથી, પણ ઋજુલ શાહ આ ગીતને હાર્મોનિયમ પર રજૂ કરે છે, ત્યારે જાણે એક સમા બંધાઈ જાય છે.

એકલ દોકલ એ આ આલ્બમનું છેલ્લું ટ્રૅક છે. મુકેશ માળવંકર તેને કી-બૉર્ડ પર એટલી અદ્ભૂત રીતે રજૂ કરે છે કે તમારો મૂડ બની જાય છે.

બસ તો પછી. વરસાદી સાંજે સુંદર મજાની ચાની ચુસ્કીઓ મારતા મારતા આ આખું આલ્બમ સાંભળશો તો તમારા વરસાદી વાતાવરણમાં સંગીતની સુંગધ થોડીત વધારે ઘાટી થશે. સ્ટૅ ટ્યૂન ઑન જલસો, અને જીવો મોજમાં.

 

 

 

From the console

મખમલ – કવિઓ અને કવિતાઓ અને સ્વપઠન

ગુજરાતી ભાષાનું પદ્ય સાહિત્ય ખૂબ જ સમૃદ્ધ છે. મૂળે તો મધ્યકાળથી રાજસ્થાની અને ગુજરાતી ભાષાના સ્વરૂપ અલગ અલગ થયાં, તે સમયે સૌથી પહેલું સાહિત્ય સર્જન પદ્યમાં જ થયું હતું. મધ્યકાળના ઘણાં લાંબા સમયગાળા સુધી માત્રને માત્ર પદ્ય જ સર્જાયું હતું.

આજે પણ પદ્યમાં શ્રેષ્ઠ સર્જન થાય છે. કાવ્યપ્રકારોનો ખૂબ વિકાસ થયો છે, સાથે સાથે સર્જનની પરિભાષા, રીત ઘણું બદલાયું છે. છતાં, લય અને કાવ્યનું માધુર્ય બરકરાર છે.

ગુજરાતી સાહિત્યની આવી અદ્ભૂત પદ્યરચનાઓ ક્યાંથી વાંચવી કે સાંભળવી, એવો પ્રશ્ન થતો હોય, તો તેનો જવાબ છે – મખમલ. મખમલી પોત જેટલા મુલાયમ શબ્દો કવિઓ દ્વારા એવી સુંદર રીતે વણવામાં આવે છે કે મોંમાંથી દાદ સિવાય બીજું કંઈ જ નીકળી ના શકે. જલસો મ્યુઝિક ઍપ દ્વારા કવિતાની આવી જ મખમલી મુલાયમતાને અકબંધ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જલસો મ્યુઝિક ઍપમાં ‘મખમલ’ સેગમેન્ટમાં કવિઓની કવિતાઓને તેમના જ અવાજમાં રૅકોર્ડ કરીને રજૂ કરવામાં આવે છે. સુંદર મજાના ધીમા ધીમા સંગીતની સાથે સાથે કવિઓ પોતાની કવિતાને રજૂ કરે ત્યારે આપોઆપ એક સમા બંધાઈ જાય છે.

સાંજના સમયે જો ચાની ચુસ્કીઓને વધારે અસરદાર બનાવવી હોય, તો મખમલનું ટૅબ ખોલો, તમારા ગમતાં કવિના આલ્બમને પ્લે કરો અને આરામથી તમારી સાંજને વધુ રંગીન બનાવો!

 

 

 

From the console

લાઇવ જામિંગ – સંગીતની સુહાની સફર

સંગીત સર્વત્ર છે અને હોવું જ જોઈએ. તેમાં પણ સંગીત જ્યારે તમારી માતૃભાષાનું હોય, ત્યારે તે કંઈક અલગ આનંદ આપે છે. લેકિન, કિન્તુ, પરંતુ. આ સંગીત તો જે માણે તે જ જાણે.

હવે ગુજરાતી સંગીત લોકો સુધી ઘરે ઘરે પહોંચાડવું કેવી રીતે? આ સવાલના જવાબમાં ટીમ જલસોએ ઘણી ઘણી મથામણ પછી એક ઉપાય શોધ્યો, અને તે ઉપાય એટલે જલસોનું પહેલું ઍક્સક્લુઝિવ સૅગમેન્ટ – જલસો લાઇવ જામિંગ.

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ્સ પર જ્યારે ‘લાઇવ’ નવું નવું ઉમેરવામાં આવ્યું હતું, ત્યારે જલસો મ્યુઝિક ઍપ દ્વારા એક ખાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો કે ચાહકો કલાકારોના કૉન્સર્ટ સુધી ના પહોંચી શકે તો આપણે કલાકારોને લોકો સુધી પહોંચાડીએ.

દર શુક્રવારે સાંજના સમયે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી જલસો લાઇવ જામિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું. દર અઠવાડિયે એક ગાયક કલાકાર તેમના સાજિંદાઓ તથા તામજામ સાથે જલસોના સ્ટુડિયો પર આવે અને સ્ટુડિયોમાંથી જ લાઇવ જામિંગ શરૂ થાય. ગુજરાતી સંગીતપ્રેમીઓના ધમાકેદાર વીક-એન્ડની ત્યારથી શરૂઆત થઈ જાય.

લાઇવ જામિંગને સાથે સાથે ખૂબ જ બેસ્ટ ટેક્નોલૉજી સાથે ઑડિયો રેકોર્ડ કરવામાં આવે છે, જે લાઇવ જામિંગ બાદ તરત જ ઍપ પર અપલૉડ કરવામાં આવે છે. ઉપરાંત, વીડિયો રેકોર્ડિંગ કરીને તેને જલસોની યુ-ટ્યૂબ ચેનલ પર રજૂ કરવામાં આવે છે.

લાઇવ જામિંગના લગભગ 250થી વધુ એપિસોડ્સ જલસો મ્યુઝિક ઍપ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આ લાઇવ જામિંગમાં નયનેશ જાની તથા આસિત દેસાઈ જેવા દિગ્ગજ ગુજરાતી કલાકારોની સાથે સાથે ઐશ્વર્યા મજુમદાર તથા જીગરા જેવા નવોદિત છતાં લોકપ્રિય કલાકારો પણ પર્ફોર્મ કરી ચૂક્યા છે.

ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક ઍપ્લિકેશન – જલસો દ્વારા લેવામાં આવેલું આ પગલું ગુજરાતી સંગીતની સમૃદ્ધીના વાહક સમાન છે!

 

 

 

 

From the console

શુદ્ધ દેશી સંવાદ – કલાકારો અને તેમની અંતરંગ વાતો

જ્યારે આપણે કોઈ કલાકારના ચાહક હોઈએ, ત્યારે તે કલાકારોના જીવન વિશે જાણવામાં ઘણી મજા પડે, ખરું ને? અને મજા પડવી પણ જોઈએ. કારણ, આ એ જ કલાકારો છે જે આપણી ચાહનાને કારણે આજે એક મુકામ પર પહોંચેલા છે. આ કલાકારોએ તેમના જીવનમાં ઘણાં સંઘર્ષો પછી સફળતાઓ મેળવી છે, પોતાનું એક અલાયદું વ્યક્તિત્વ બનાવ્યું છે.

આ ગુજરાતી કલાકારોના જીવન વિશે આપણને સવાલો થાય એ સ્વાભાવિક છે. આ કલાકારો તેમની રોજિંદી જિંદગીમાં શું કરતાં હશે? તેમના મિત્રો કેવા હશે? તેઓ સાંજ પડે ભેગા થઈને ક્યાં બેસતાં હશે? તેમની ભાવતી વાનગીઓ કેવી હશે? તેમની ફિલ્મોની તૈયારીઓ તેઓ કેવી રીતે કરતાં હશે?

આવા સવાલો તમને પણ થતાં જ હશે. ખરું ને? જો કે, અમારી પાસે આ તમામ બાબતોના જવાબો તૈયાર છે. જી હા, હું વાત કરી રહી છું, ગુજરાતી ફિલ્મ-સંગીત-સાહિત્ય સાથે જોડાયેલા સિલેબ્ઝની રંગબેરંગી વાતોના ખાસ શૉ વિશે.

શુદ્ધ દેશી સંવાદ – જલસો ઍપનો ઍક્સક્લુઝિવ શૉ, જે તમારા સુધી લઈને આવે છે ગુજરાતી કલાકારો સાથેની ખાસ વાતો. છેલ્લાં ચારેક વર્ષથી રિલિઝ થતી ગુજરાતી ફિલ્મોની રિલિઝ ડેટ પહેલા જ કલાકારો જલસોના સ્ટુડિયો પર આવે છે અને ચા-કૉફીની ચુસ્કીઓ સાથે વાતોનો જે દૌર જામે છે, તેની તો વાત જ ના પૂછો!

ફિલ્મનોની પડદા પાછળની વાતો કરતાં કરતાં આ કલાકરો ટીમ જલસો સાથે ખુલ્લાં મને કરે છે. માત્ર ફિલ્મો જ નહીં, ટ્રેન્ડની વાતો, ફેશનની વાતો, ખાનગીમાં કહી શકાય તેવી ગૉસિપ પણ ખરી! વાતો, વાતો અને માત્ર વાતો. આ આખો શૉ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લાઇવ જોઈ શકાય છે. શૉ પછી તેને જલસોની ઍપમાં સાંભળી શકો છો, તથા તેને યુ-ટ્યૂબ પર જોઈ પણ શકાય છે.

બસ, તો જલસો સાથે જોડાયેલા રહો. અને શુદ્ધ દેશી સંવાદ જોવા-સાંભળવા માટેની લિંક…

From the console

અરજ : મ્યુઝિકલ આર્તનાદ

જીવનમાં મહામારીનો સમયગાળો એટલો અટપટો અને અવળચંડો હોય છે કે સર્વાઇવ કરવું ખરેખર અઘરું પડે. ગમે ત્યાંથી આડા-અવળા અને નેગિટિવ વિચારો તમારા મગજ પર ઘેરો જમાવી દે. આ સમયે પ્રયત્ન કરીએ છતાં આપણે મન-મગજને શાંત કરી શકતા નથી.

જલસો આ પરિસ્થિતિ અને આ તકલીફ બંને ખૂબ સારી રીતે સમજે છે. જ્યારે આપણે આપણાં સ્વજનો ગુમાવી રહ્યા હોઈએ, પોતે શારિરીક રીતે અશક્ત હોઈએ, પરિવારથી દૂર હોઈએ, ત્યારે ઇશ્વર સ્મરણથી વધુ સારો ઉપાય બીજો કોઈ નથી હોતો. સ્વાભાવિક છે મનુષ્ય જયારે પણ મૂંઝવણમાં મુકાય ત્યારે તેના ઇષ્ટ દેવને પહેલા યાદ કરે. આ કપરાકાળમાં જલસો પણ ઈશ્વરને અરજ કરી રહ્યું છે કે તેઓ આ અંધારભર્યા સમયમાંથી અજવાસ અને ઉચાટભરી મનોદશામાંથી શાંતિ તરફ લઇ જાય!

આ જ વિચાર સાથે જલસો પોતાના ‘જલસો ઑરિજિનલ્સ’ ટૅબમાં રજૂ કરે છે, ‘અરજ’. અલગ અલગ ધર્મો અને સંપ્રદાયોમાં જે રીતે ઇશ્વર નામસ્મરણ થતું હતું હોય છે, તે અનુસાર તેને જલસો મ્યુઝિક ઍપમાં રજૂ કરવામાં આવ્યું છે.

ઓમકાર મંત્ર, મૃત્યુંજય મંત્ર, નવકારમંત્ર, શાંતાકારમ્ મંત્ર, હનુમાન મંત્ર, બુદ્ધ મંત્ર, ગાયત્રી મંત્ર, વિષ્ણુ દ્વાદશાક્ષરી મંત્ર, યા દેવી શ્લોક – આ તમામને આવરીને એક સુંદર આલ્મબ બનાવવામાં આવ્યું છે. દરેક ટ્રૅકમાં લૂપ પર આ મંત્રજાપ સતત દસ-દસ મિનિટ વાગે તે રીતે તેની ગોઠવણ કરવામાં આવી છે.

ચાલો આપણે પ્રાર્થનાનું બળ પેદા કરીએ અને નિરાશાનાં વાદળો વચ્ચેથી શ્રદ્ધાનાં પ્રકાશ તરફ ગતિ કરીએ. પરમતત્વને પામવાની આ અરજમાં અમારી સાથે જોડાઈ જાવ. આપણા ધાર્મિક મંત્રોની મદદથી વાતાવરણને હકારાત્મક કરવાની કોશિશ કરીએ.

 

 

From the console

વાત ગુલાબી છે : ન્યૂ એજ લવસ્ટૉરીઝ

જીવનમાં લાગણીઓની વાત કરતાં હોઈએ ત્યારે પ્રેમને અનંત લાગણી કહેવી પડે. દરેક વ્યક્તિમાં આ લાગણી કાયમ, જન્મતાની સાથે જ ઉદ્ભવતી હશે. નવજાત બાળકથી લઈને છેલ્લા શ્વાસ લેતી વ્યક્તિ સુધી તમામને પ્રેમ જોઈએ છે. પ્રેમ મેળવવા પર દરેકનો અધિકાર છે.

અલબત્ત, પ્રેમ માંગવાથી મળતો નથી, એ વાત પણ એટલી જ સાચી છે. જો કે, એ વાતને પણ નકારી ના શકાય કે પ્રેમ જ્યારે મળે છે ત્યારે એ મેળવનાર સૌથી ધની વ્યક્તિ હોય છે.

ઘણાં લોકો એવું કહે છે કે આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ છે. કદાચ એ વાતમાં તથ્ય હોય પણ ખરું. પણ, નવીન વ્યાખ્યા સાથે પણ પ્રેમ તો જળવાઈ જ રહ્યો છે ને! પ્રેમની અભિવ્યક્તિ અથવા તેનું સાઘન બદલાયું હોઈ શકે, પણ મૂળે લાગણી તરીકે તો પ્રેમ યથાવત જ છે.

પાછો પ્રેમ છે પણ સનાતન. પ્રેમ કહાણીઓ પણ આપણી આસપાસ હોય છે જ ને! આવી જ કેટલીક લવસ્ટૉરીઝ લઈને અંકિત આવ્યો છે, જલસો મ્યુઝિક ઍપ પર.

જલસો મ્યુઝિક ઍપ પર પૉડકાસ્ટનું એક ખાસ અલગ ટૅબ તૈયાર કરવામાં આવ્યું છે. ‘જલસો ઑરિજિનલ્સ’ નામના ટૅબમાં આ ખાસ પૉડકાસ્ટ્સ ઉમેરવામાં આવે છે.

 

 

 

From the console

સ્વગત – પાત્રોની એકોક્તિઓ

પુરાણોના ઇતિહાસમાં કેટલાંક સ્ત્રી પાત્રો એવા છે, જેમની કથા ઇતિહાસના પાનાઓ પર માત્ર સંઘર્ષને કારણે યાદ રાખવામાં આવી છે. અલબત્ત, સ્ત્રીઓની સંઘર્ષકથા વગરનો ઇતિહાસ શક્ય જ નથી.

જલસો આવી જ પાંચ સ્ત્રીઓને યાદ કરીને એક સુંદર પૉડકાસ્ટ તૈયાર કરે છે. ‘સ્વગત – ધ મૉનોલૉક્સ’. ગુજરાતી અભિનય જગતની પાંચ શ્રેષ્ઠ અદાકારાઓ અને હિન્દુ માયથોલૉજીના પાંચ મહાન સ્ત્રી પાત્રો. છે ને અદ્ભૂત કૉમ્બિનેશન?

જલસો પર કથાનકની સફળતા પછી RJ ઉવર્શી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉર્વશીએ પોતાના રીસર્ચ અને વર્ષોના વાંચનના ફળસ્વરૂપે પૌરાણિક કથાઓમાંથી પોતાના ગમતાં પાંચ સ્ત્રી પાત્રો અલગ તારવ્યા. તેમના વિશે ઊંડાણથી અભ્યાસ કર્યો. તેના માટે એકોક્તિઓ (પાત્ર પોતે જ પોતાની વાત કરે) લખી. તેને સુંદર રીતે પેકેજ કરવામાં આવ્યું અને આપણી સામે રજૂ થયું એક સુંદર પૉડકાસ્ટ, સ્વગત.

ઉર્વશીએ સ્વગતમાં ઉમેરેલા પાંચ પાત્રો એટલે, યયાતિ અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની, દેવયાની અને યયાતિની દિકરી માધવી તથા નિષ્પ્રાણ પથ્થર બનેલી, ગૌતમ મુનિની પત્ની અહલ્યા, લક્ષ્મણની પત્ની ઉર્મિલા અને દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી તથા રામની મોટી બહેન શાંતા. આ પાત્રો ભજવ્યા છે ગુજરાતી ફિલ્મ અને નાટ્યજગતની ઉત્તમ અભિનેત્રીઓ, તારિકા ત્રિપાઠી (માધવી), RJ રાધિકા (દેવયાની), અભિજ્ઞા મહેતા (અહલ્યા), પૌરવી જોશી (ઉર્મિલા) અને સ્વાતી દવે (શાંતા)એ.

આવા અદ્ભૂત પૉડકાસ્ટ વિશે વાંચવાને બદલે તેને માણો!

From the console

સંગીત અને સ્વાસ્થ્ય – મ્યુઝિક થૅરાપી શૉ વિથ પાર્થ ઓઝા

સંગીત સાધનાની સાથે સાથે સંજીવની પણ છે. આ વાત કહેવામાં કોઈ જ અતિશયોક્તિ તો નથી જ. કારણ કે વિશ્વભરમાં તબીબીવિજ્ઞાનને સંગીત સાથે સાંકળીને સારવારનો એક અલગ જ રસ્તો કંડારવામાં આવ્યો છે. આ આખી ઘટનાને કહેવામાં આવે છે – મ્યુઝિક થૅરાપી.

ગુજરાત પાસે પણ આવા ઘણાં જ ધુરંધર મ્યુઝિક થેરાપિસ્ટ છે. તેમાંના એક એટલે જાણીતા ગાયક, અભિનેતા અને મ્યુઝિક થેરાપિસ્ટ ડૉ. પાર્થ ઓઝા.

આખી વાતને એક વાક્યમાં પરોવતાં હું એમ કહી શકું કે જલસોના માધ્યમથી ડૉ. પાર્થ ઓઝાના નામે એક ખૂબ ચાર્મિંગ ચહેરો મ્યુઝિક થૅરાપી પર એક પૉડકાસ્ટ રજૂ કરે છે. દસ એપિસોડના આ પૉડકાસ્ટમાં ડૉ. પાર્થ ઓઝા કમ્યુનિકેશન, સેલ્ફ કૉન્ફિડન્સથી લઈને વર્કસ્ટ્રેસ, સ્લીપિંગ પ્રૉબલેમ્સ અને પ્રેગનેન્સી જેવા વિષયો પર વાત કરીને મ્યુઝિક થેરાપી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, તે વિષે પ્રકાશ પાડે છે.

છે ને ઇન્ટરેસ્ટિંગ પગલુ?

12