Uncategorized

કવિશ્રી ઇન્‍દુલાલ ગાંધી

ઘણીવાર સર્જકનાં સર્જનો જ એટલા સુવિખ્‍યાત બની જાય છે કે, એ સર્જનો જ કવિની, સર્જકની સાચી ઓળખ બની જાય છે. ‘આંધળી માના કાગળ’ના રચયિતા કોણ? ‘પ્રભુજીને પડદામાં રાખ માં’ કાવ્‍યના સર્જક કોણ? ‘એ વાર હું ને મીરાં મથુરામાં ગ્‍યા’તાં’ અને ‘ભાદરમાં ધૂવે લૂંગડાં ભાણી’ જેવાં લોકહૈયે રમતાં કાવ્‍યનો કર્તા કોણ? તુંરત જ બોલી ઊઠાશે કે કવિ શ્રી ઇન્‍દુલાલ ગાંધી. આ અમર રચનાઓ જ કવિશ્રી ઇન્‍દુલાલ ગાંધીની ઓળખ બની ગઈ છે.

Uncategorized

અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન એટલે જલન માતરી : ગઝલકાર

મૂળ નામ જલાલુદ્દીન સઆઉદ્દીન અલવી. પોતાના વતન માતર પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈ તેમણે પોતાનું તખલ્લુસ ‘જલાન માતરી’ રાખ્યું હતું. વર્ષ ૧૯૯૨માં તેઓ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટના હોદ્દા પરથી નિવૃત્ત થયા હતા.

માત્ર પોતાની ગઝલ, કવિતાઓ કે મુક્તકો જ નહીં તેમણે ગુજરાતના કેટલાંક જાણીતા ગઝલકારોના જીવનચરિત્રો પણ લખ્યા છે. જલન માતરીને વર્ષ ૨૦૧૬માં નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઊર્મિની ઓળખ, તપિશ, ઉઘડી આંખ બપોરે રણમાં નામે તેમનું જીવનચરિત્ર પણ પ્રકાશિત થયુ હતુ. જાણીતા ગઝલકાર અને કવિ જલન માતરીનું અમદાવાદ મુકામે ૮૪ વર્ષની વયે અવસાન થયું

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી

આ ગઝલને ગુજરાતી સાહિત્યની અમર ગઝલો પૈકીની એક ગણવામાં આવે છે. જાણીતા શાયર શયદા(હરજી લવજી દામાણી)થી લઈ જલન માતરીના સમયગાળામાં યોજાતા મુશાયરાઓના સમયગાળાને ગુજરાતી મુશાયરાઓનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. તેમની ગઝલના શેર માત્ર કોઈ એક વિષયને જકડી ન રાખતા. દરેક શેરનો ભાવ બદલતો રહેલો એ જલન સાહેબની ગઝલોની ખાસિયત હતી.

એક શેરમાં ત્રીજા ઇશ્વરની વાત, બીજા શેરમાં જામ-સુરાહીની વાત તો પછીના શેરમાં પ્રેમની વાત અને બાદમાં વિરહની વાત તેમના શેરમાં આવતી રહેતી. ગઝલમાં ક્યારેક ઉન્નત અર્થ સુધી લઈ જવી તો ક્યારેક ઉંડાણવાળા અર્થ સુધી લઈ જવામાં તેઓ માહેર હતા. જો કે તેમની મોટાભાગની ગઝલોમાં ઇશ્વર-ખુદા સાથેની તકરારોની વાત વધુ રહેતી.

તેમની દરેક ધર્મ અને ઉર્દૂ-ગુજરાતી સાહિત્ય પરની સમજ અને સર્જનક્ષમતાના વખાણ શૂન્ય પાલનપુરી અને લાભશંકર ઠાકર સહિતના દિગ્ગજો કરી ચૂક્યા છે.

 

 

Uncategorized

જવાહર બક્ષી – હિસાબોના સરવૈયા તપાસતાં સર્જક

મૂળે આંકડાશાસ્ત્રનો જીવ સાહિત્યસર્જન કરી શકે? જો કોઈ ના પડે, તો તેમણે ગઝલકાર શ્રી જવાહર બક્ષીને વાંચવા જોઈએ. જવાહર બક્ષી – એક એવું નામ છે જે શબ્દ-લય અને સંગીતના માધ્યમથી આધ્યાત્મિક ભાવ-આવરણ રચી શકે છે.

જી, હા. જવાહર બક્ષી મૂળે ચાર્ટર્ડ ઍકાઉટન્ટ છે. વિ.સં.૨૦૦૩માં મહાશિવરાત્રિના દિવસે, તારીખ ૧૯ ફેબ્રુઆરી, ૧૯૪૭માં જુનાગઢમાં જન્મેલા જવાહર બક્ષીના માતાનું નામ નીલાવતી અને પિતાનું નામ રવિરાય છે. તેમના ધર્મપત્નીનું નામ દક્ષા તથા એકમાત્ર પુત્રીનું નામ પૂજા અને જમાઈનું નામ જાગ્રત છે. દોહિત્ર કબીર અને દોહિત્રી હ્રેયા (Reya) છે. જૂનાગઢની ‘સ્વામી વિવેકાનંદ વિનય મંદિર’માં દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો. શાળાના સમયથી જ અમૃત ઘાયલ, કિસ્મત કુરેશી વગેરર ગઝલકારો તથા કાનજીમોટા બારોટ,  દિવાળીબેન , પિંગળદાન ગઢવી જેવા લોકગાયકોને સાંભળવાનો-સંસર્ગ કરવાનો લાભ મળ્યો હતો.

ગુણથી ગુણાતીત અને પરેથી પરાત્પર તરફના તેઓ ગતિશીલ યાત્રી છે. જો કે, સાહિત્યમાં તેમને મળેલી અપ્રતિમ સફળતા તરીકે તારાપણાના શહેરમાં (૧૯૯૯) અને પરપોટાના કિલ્લા(૨૦૧૨) તેમના બે ગઝલસંગ્રહો પ્રગટ છે. સાહિત્ય ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન માટે તેમને વિવિધ એવોર્ડ્સ એનાયત થયા છે. મહારાષ્ટ્ર સ્ટેટ –ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યક્ષેત્રે લાઈફ ટાઇમ કોન્ટ્રીબ્યુશન માટે જીવન ગૌરવ એવોર્ડ, તારાપણાના શહેરમાં – પુસ્તકને સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકેનો એવોર્ડ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા મળ્યો હતો. ૧૯૯૯ થી ૨૦૦૪ એમ પાંચ વર્ષોમાં કોઈ પણ કાવ્ય સ્વરૂપમાં શ્રેષ્ઠ પ્રદાનને આપતો નર્મદ સુવર્ણચન્દ્રક ગઝલક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન માટે સૌપ્રથમ જવાહર બક્ષીને મળ્યો, જે ગઝલ સ્વરૂપમાં તેમના અત્યંત મહત્વપૂર્ણ પ્રદાનને દર્શાવે છે. ગઝલ ક્ષેત્રે આજીવન પ્રદાન માટે કલાપી એવોર્ડ મળ્યો હતો. એચ.એમ.વી, સારેગામા દ્વારા તારો વિયોગ , યુનિવર્સલ મ્યુઝીક દ્વારા  તારા શહેરમાં અને ટાઈમ્સ મ્યુઝીક દ્વારા ગઝલ રુહાની સી.ડી. પ્રગટ થઈ છે , જેણે સફળતાના અનેક કીર્તિમાન સ્થાપિત કર્યા છે. ગુજરાતી ગઝલ સાહિત્ય માટે આ ગૌરવની વાત છે. વળી, તેઓ અધ્યાત્મિક ગુરુ છે.

એવો તે કંઈ ઘાટ જીવનને દીધો જી;

પરપોટામાં કેદ પવનને કીધો જી.

આ બે પંક્તિઓમાં જીવનની ક્ષણભંગુરતાનો મર્મ બહુ સરળ શબ્દોમાં જવાહર બક્ષીએ વ્યક્ત કર્યો છે. ગઝલક્ષેત્રે ઉર્દૂ શબ્દબાહુલ્યને સ્થાને સરળ અસરકારક ગુજરાતી શબ્દો દ્વારા જીવન, તત્વજ્ઞાન અને  અધ્યાત્મના ગૂઢ રહસ્યોને સહજ શબ્દરૂપ આપી શબ્દબદ્ધ કરવામાં તેઓ સફળ થયા છે.

જુનાગઢનું ગઝલ તરફી વાતાવરણ જવાહર બક્ષીની ગઝલ સર્જકતાને વિકસાવવામાં મહત્વનું પરિબળ બન્યું. માત્ર બાર વર્ષની બાળવયે નાગર મંડળના કવિ સંમેલનમાં છંદોબદ્ધ કવિતા રજૂ કરી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતાં. શાળાના ભીંતપત્રોમાં જવાહર બક્ષી વૃત્ત-છંદના કાવ્યો લખતા.

૧૯૬૪માં સીડનહામ કોલેજમાં અભ્યાસાર્થે મુંબઈ ગયાં. બી.કોમ.ની ડીગ્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવી. જીવનભર સફળતાપુર્વક સટીક આંકડાઓ સાથે કામ પાર પાડતા રહ્યાં, છતાં એનાથી સામે વહેણે તેમણે આધ્યાત્મિકતાની દિશામાં ખેડાણ કર્યું છે.

તેમને જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ નાની ઉંમરે જ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછીના શરૂઆતના વર્ષોમાં નાના, પિતા, કાકી, ફુઆ અને નાની બે બહેનોના ઉપરાઉપરી મૃત્યુ નીપજતાં તેમની ચેતનામાં જીવનની ક્ષણભંગુરતા પુષ્ટ થતી ગઈ. તેમને પરમ તરફ ખેંચાણ થયું.

આંકડા અને શૂન્ય સાથે તેમણે સંઘર્ષ ઝીલ્યો હશે. આ બધાથી પરે યોગસાધના, ચિંતન અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ તેઓ ‘પરે’ શબ્દની સાચી ઓળખ છે. તેઓ નરસિંહ મહેતાના વંશજ છે.

ડો. જવાહર બક્ષીએ પરિપુખ્ત વયે પીએચ.ડી. કર્યું. પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પર નહીં, આધ્યાત્મિકતા ઉપર. નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા-એ એમના મહાનિબંધનો વિષય હતો.

બીજા બધા ગઝલકારો કરતા તેઓ વિશિષ્ટ કેમ છે એનું કારણ ચકાસતા એક વાત સ્પષ્ટપણે સમજાય છે તેમની ગઝલ સ્વાનુભૂતિમાં ઝબોળાઈને લખાઈ છે એટલે તાજગીસભર છે. તેમણે સંતોષ ન થાય ત્યાં સુધી સ્વ સાથે જ સંઘર્ષ કરવો પડ્યો છે , અભિવ્યક્તિ બાબતે. છતાં એ રમત એટલી સફળ રહી કે ૧૯૭૩-૭૪માં મુંબઈ યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ માટે જવાહર બક્ષીની અસંગ્રહસ્થ ગઝલોનો સમાવેશ થયો એ એક ઐતિહાસિક ઘડી ગણી શકાય. પરંતુ એ પછી જવાહર બક્ષી બાર વર્ષ માટે વિદેશ ચાલ્યા ગયાં.

૧૯૭૬-૮૬ દરમિયાન અને પછી મહર્ષિ મહેશ યોગીના સાંનિધ્યે યોગશિક્ષણ આપવા વિશ્વભ્રમણ કર્યું. પરિણામે તેમની ચેતના વધુ ઉજ્જવળ થઈ અને ગુજરાતી ગઝલે પરંપરાગત ભાવજગતના બંધિયારપણામાંથી છૂટીને જાણે નવું તાજગીભર્યું આધુનિક અને અલગ રૂપ ધારણ કર્યું. ગઝલ સ્વરૂપમાં તળપદી કાવ્યપ્રકારોનું ઉમેરણ કરી તેને નવું રૂપ આપ્યું. દોહા ગઝલ, ગરબા ગઝલ, ગીત ગઝલ, આખ્યાન ગઝલ, ભજન ગઝલ વગેરે અનેક પ્રકારો ગણી શકાય. વળી,  ગઝલ પર થતા આક્ષેપોનો જડબાતોડ જવાબ એક મૂડની, એક સરખા કાફિયાની, એક રદીફની, મત્લાની ગઝલોના ચાર ચાર ગુચ્છ પ્રગટ કરીને આપ્યો. ‘રે લોલ’ રદીફવાળી ગઝલથી ગુજરાતી કવિતામાં ગીત ગઝલનો નવો પ્રકાર પ્રચલિત બન્યો. કહી શકાય કે ગુજરાતી ગઝલના ગુજરાતીપણાનો રખેવાળ મળી ગયો જેને ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવીને ગઝલને નવી ઉંચાઈ બક્ષી. તેમની ગઝલમાં ઈશ્કેમિજાજી, ઈશ્કેહકીકી અને પાત્રગઝલ જોવા મળે છે. તેમના પ્રેયસીના  ઇંગ્લેન્ડ  જતા પહેલાની, જતા વખતની, ગયા પછી તરતના વિવિધ ભાવની ગઝલ લખી છે. દસ ગઝલની હારમાળા છે. વિશેષ પ્રયોગ થયો છે. પ્રેયસી સાથે પુનર્મિલન, લગ્ન, યોગસાધના, આદ્યાત્મિક અનુભૂતિઓ,  સાંપ્રત જીવન અને આધુનિક સંવેદનશીલતાના તત્વો વડે તેમની ગઝલનું સ્વરૂપ ઘડાયુ છે.

તેમણે વિશ્વ કક્ષાએ ભારતીય તત્વજ્ઞાન, યોગ, ધ્યાન અને સંત સાહિત્ય વિશે વ્યાખ્યાન આપ્યા, ગઝલ અંગેની વર્કશોપ ભારત, યુ.કે, યુ.એસ.એ તથા આફ્રિકા વગેરેમાં કરી છે. નરસિંહ મહેતા, મીરા, પ્રેમાનંદ, હરીન્દ્ર દવેથી સિતાંસુ યશશ્ચન્દ્રના ગુજરાતના પરંપરાગત સંગીત અને સંત સાહિત્ય, કવિતાની સી.ડી. પ્રોડ્યુસ કરી છે, તેમના સંશોધન પર આધારિત ટાઈમ્સ મ્યુઝિક દ્વારા લોકપ્રિય ચાર સંગીત સી.ડી. ‘કબીર,મીરા, સુરદાસ અને તુલસીદાસ અંગે Saints of Indiaમાં તેમણે પોતાના વિચારોને વાચા આપી છે.

તારાપણાના શહેરમાં  પ્રથમ ગઝલસંગ્રહ હોવા છતાં સર્વશ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકે પુરસ્કૃત થયો છે . કારણ કે જવાહર બક્ષીએ લખ્યું છે : શુદ્ધ અને પૂર્ણરૂપે કાવ્યસૌંદર્ય પ્રગટ થાય તે દૃષ્ટિ અવશ્ય રાખી છે. હું તો  પ્રત્યેક ગઝલના પ્રત્યેક શેરના પ્રત્યેક શબ્દ પાસે ખૂબ અને વારંવાર રોકાયો છું. તેથી જ પહેલી ગઝલ (૧૯૫૯) લખ્યા બાદ લગભગ ચાલીસ વર્ષે અને મેં માન્ય રાખેલી પહેલી ગઝલ (અનુભવ-૧૯૬૭)બાદ ત્રીસ વર્ષે આ પહેલો સંગ્રહ આવે છે.”

જવાહર બક્ષી ગુજરાતી વાચકોને શ્રેષ્ઠ સર્જન આપવામાં જ માનતા હતા. તેમની ગઝલોએ ગુજરાતી સાહિત્યને નવી ઊંચાઈઓ આપી છે. જવાહર બક્ષીએ રચેલી સાડા આઠસો ગઝલોમાંથી તેમણે લખેલી પણ ન ગમેલી સાતસો  જેટલી ગઝલો ફાડી નાંખી  હતી. બાકીમાંથી એકસો આઠ ગઝલો તારાપણાના શહેરમાં નામના સંગ્રહમાં સમાવિષ્ટ કરી હતી. તેનું કારણ જણાવતા તેઓ કહે છે, ‘નાનપણમાં મેં રોમનાં જાણીતા શિલ્પકાર માઈકલ એન્જેલોનો એક કિસ્સો વાંચ્યો હતો. માઈકલ એન્જેલોને કોઈએ પૂછ્યું કે આવા સરસ શિલ્પો તમે બનાવ્યા? શિલ્પકારનો જવાબ હતો કે, આ સુંદર શિલ્પ તો માર્બલમાં છુપાયેલા જ હતા, મેં તો વધારાનો માર્બલ એના પરથી હઠાવ્યો છે. એક વખત માઈકલ એન્જેલો દારૂના પબમાં ગયો, એ બીયર પીવા બેઠો. ગ્લાસ હોઠે અડાડ્યો અને માલિકને કહ્યું કે, બીયર ખાટું છે. તરત જ માલિકે બીયર ચાખ્યા વગર બીયરનું આખું પીપ ઢોળી દીધું. માઈકલ એન્જેલોને જાણે એક સંદેશ મળી ગયો કે મારે પણ જગતને શ્રેષ્ઠ જ આપવું છે અને એ ઉભો થઈ ગયો અને બધા શિલ્પ પર સફેદ કૂચડો ફેરવી દીધો. ટૂંકમાં, જે ઉત્તમ હોય તે જ ભાવકોને આપવું બાકી બધું ગંગામાં પધરાવી દેવું. શક્ય છે કે મને ઉત્તમ ન લાગે તે બીજાને ઉત્તમ લાગે પણ ખરું. પણ એ જવાબદારી મેં સ્વીકારી છે, કળાની શ્રેષ્ઠતા અને શ્રેષ્ઠ કળા એ મારો પ્રયત્ન રહ્યો છે.’

 

 

Uncategorized

હાલરડાંના કવિ – કૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.

દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,

કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,

આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.

દીકરો મારો લાડકવાયો…

આ હાલરડું ગુજરાતીઓમાં એક લોકગીતની કક્ષાએ લોકપ્રિય છે. ખૂબ જાણીતા આ હાલરડાંના કવિ છે કૈલાસ પંડિત. જેમનો જન્મ મધ્ય પ્રદેશમાં જબલપુર મુકામે તારીખ 23 ડિસેમ્બર, 1941ના રોજ થયો હતો. તેમનું અવસાન પૂનામાં 8 નવેમ્બર,1994ના રોજ થયું હતું. તેમની ઘણી બધી ગઝલો જાણીતા ગાયકોએ ગાઈને અમર કરી દીધી છે.

Uncategorized

કરસનદાસ નરસિંહ માણેક (૨૮ નવેમ્બર ૧૯૦૧ – ૧૮ જાન્યુઆરી ૧૯૭૮)

વૈશંપાયનના ઉપનામથી જેમણે ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર અને નિબંધકાર તરીકે ખ્યાતી મેળવી છે, તેવા સર્જક એટલે કરસનદામ નરસિંહ માણેક. તેમનો જન્મ કરાચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હતા. ૧૯૨૩માં કરાચીની ડી.જે. કોલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું અને એ દરમિયાન એક વર્ષ ડેઈલી મિરર નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું. તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૯થી જન્મભૂમિના તંત્રી વિભાગમાં સેવાઓ આપી. મુંબઈમાં ૧૯૪૮થી જન્મભૂમિ ટ્રસ્ટના નૂતન ગુજરાતના તંત્રી પદે રહ્યા. ૧૯૫૧થી સારથિ સાપ્તાહિક અને પછી નચિકેતા માસિક શરૂ કર્યું.

તેઓ મુખ્યત્વે કવિ હતા. જો કે તેમણે વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસાર ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. વૈશંપાયનની વાણીના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે જન્મભૂમિમાં પ્રગટ થતાં હતાં, ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. કરસનદાસ માણેકે અનેક કથાઓ, આઝાદીની યજ્ઞજ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા છે.

તેમનું અવસાન ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ વડોદરામાં થયું હતું.

તેઓ લખે છે કે,

છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,

ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !

 

Uncategorized

કલાપી : કાવ્યનો સાક્ષાત કેકારવ

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, કલાપીનો જન્મ અમરેલીના લાઠીના રાજકુટુંબમાં ૨૬મી જાન્યુઆરી ૧૮૭૪ના રોજ થયો હતો. ૧૮૮૨થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, જે આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક કલહને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા ધોરણ આગળ અટક્યું. તે દરમિયાન ૧૮૮૯માં રોહા(કચ્છ)નાં રાજબા(રમા) તથા કોટડા સાંગાણીનાં આનંદીબા સાથે લગ્ન થયા. પિતા અને મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા કલાપીને ૧૮૯૫માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. રમા સાથે આવેલી ખવાસ જાતિની દાસી મોંઘી (પછીથી શોભના) પર ઢળેલી વત્સલતા, તેને કેળવવા જતાં સધાયેલી નિકટતાને કારણે ગાઢ પ્રીતિમાં પરિણમી. જેથી તેમના આંતરબાહ્ય જીવનમાં ખળભળાટ મચી ગયો. ઘણા સાંસારિક, માનસિક, વૈચારિક સંઘર્ષોને અંતે તેમણે ૧૮૯૮માં શોભના સાથે લગ્ન કર્યા. ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિના આ કવિ પ્રાપ્ત રાજધર્મ બજાવવા છતાં રાજસત્તા અને રાજકાર્યમાં પોતાની જાતને ગોઠવી ન શક્યા. છેવટે ગાદીત્યાગનો દૃઢ નિર્ધાર કરી ચૂકેલા કલાપીનું છપ્પનિયા દુકાળ વખતે લાઠીમાં અવસાન થયું.

કલાપી ઘણી ભાષાઓના જાણકાર હતા. તેમણે અંગત શિક્ષકો પાસેથી સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો. કલાપીની ૧૮૯૨થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને ‘કલાપીનો કેકારવ’માં સમાવવામાં આવ્યા છે. કલાપીના અવસાન પછી, ૧૯૦૩માં કાન્તને હાથે તેનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું. એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી(સાગર)એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.

 

 

જૂન ૯ ૧૯૦૦)

12