Artists, Classics, Film Music, Gujarati Songs, kavi, Light Vocal, Lyricists

બાલમુકુંદ દવે – આઇકોનિક ગીતકાર

ક્લાસિક ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દિકરો’નું આઇકોનિક ગીત ‘કેવા રે મળેલા મનના મેળ…’, જનાર્દન રાવલ અને હર્ષદા રાવલના સ્વરમાં છે તથા તેનું સ્વરાંકન ક્ષેમુ દિવેટિયાએ કર્યું છે, તે ગીત જેમની કલમે આકાર પામ્યું છે, તેવા ઉત્તમ કવિ બાલમુકુન્દ દવે, એ ગુજરાતી પદ્ય સાહિત્યનું અનોખું ઘરેણું છે.

પૂરું નામ, બાલમુકુન્દ મણિશંકર દવે. તેમનો જન્મ તારીખ 7 માર્ચ, 1916ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામે થયો હતો. કવિએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં લીધું હતું. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં તેમણે ‘સસ્તું સાહિત્ય વર્ધક’ કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ત્યારબાદ તેઓ ‘નવજીવન’માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું. પત્રકારત્વ અને સાહિત્યની સેવા બદલ ૧૯૪૯માં તેમને કુમારચન્દ્રકથી સન્માનવામાં આવ્યા હતા.

બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમજ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન – આ બધાંએ એમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે;  તો તેમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમજ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળો આપ્યો છે. તેમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનાં કાવ્યો-ગીતો છે.