Artists, Classics, Devotional, Lyricists

આદિ કવિ નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ છે, માટે તેમને આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવામાં આવે છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. ૫ વર્ષની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરી દ્વારા થયો હતો.

નરસિંહ મહેતાના લગ્ન ૧૪૨૯માં માણેકબાઇ સાથે થયા. તેઓ અને તેમની પત્નિ તેમના ભાઇ બંસીધરને ત્યાં જુનાગઢમાં રહેતા હતા. તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઇ નામની પુત્રી હતી.

નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.

ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

 

Artists, Classics, Composers, Film Music, Gujarati Songs, Lyricists, Singers

ગીતકાર અને સ્વરકાર નીનુ મઝુમદાર

ગીતકાર-સંગીતકાર અને ગાયક એ ત્રણે કલાનું કોમ્બિનેશન ભાગ્યે જ કોઈકમાં એકસાથે જોવા મળે. નિનુ મજુમદાર તેમાંના એક હતા. આ માટે જ અવિનાશ વ્યાસે તેમને `બિલિપત્ર’નું બિરુદ આપ્યું હતું. ઉસ્તાદ ફૈયાઝખાં તથા ઉત્સાદ ઇમામ અલીખાંના શિષ્ય નિનુ મજમુદાર વડોદરાના જમીનદાર નાગર કુટુંબનું સંતાન હતા. તેમનું મૂળ નામ નિરંજન મઝુમદાર હતું.

તેમણે અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. રવીન્દ્ર સંગીત જાણતા નીનુભાઇએ લોકસંગીતમાં સંશોધન કર્યું છે અને સૂરદાસ તથા અન્ય સંતકવિઓની રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે. તેમણે બાંસુરીવાદનના કાર્યક્રમો આપ્યા છે. તેમની રચનાઓમાં સંગીતના ઊંડા રસની અભિવ્યક્તિ અને અગાધ જ્ઞાન જોવા મળે છે. ચાળીસના દાયકામાં નિનુભાઈનો અવાજ હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળે છે. સરદાર અખ્તર સાથે `ઉલઝન’માં, અમીરભાઇ કર્ણાટકી સાથે `પરિસ્તાન’માં અને મીનાકપૂર સાથે `ગોપીનાથ’માં તેમણે ગીતો ગાયાં છે. રાજકપૂરની સૌપ્રથમ ફિલ્મો `જેલયાત્રા’ અને `ગોપીનાથ’માં તેમણે સંગીત નિર્દેશન કર્યું છે. ફિલ્મ `ગોપીનાથ’ માટે એમણે લખેલું ગીત – આઇ ગોરી રાધિકા ને શબ્દોમાં સહેજ ફેરફાર કરીને એ જ તરજ સાથે ફિલ્મ `સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં લેવામાં આવ્યું હતું. એ ગીત હતું – યશોમતી મૈયા સે બોલે નંદલાલા. બાળકો માટે તેમણે સંખ્યાબંધ સંગીતનાટિકાઓ અને ગીતો લખ્યાં છે. રાષ્ટ્રીયસ્તરે પણ એમનું ગીત – આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઇનાં નથી – પસંદગી પામ્યું છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. રાષ્ટ્રીય સમારોહ માટે જુદી જુદી ભાષાઓમાંથી સર્વશ્રેષ્ઠ રચનાઓની પસંદગી સરકાર દ્વારા થતી હોય છે તેમાં ગુજરાતી ભાષામાંથી નિનુભાઇની આ રચના પસંદ થઇ છે. 1954થી નિનુભાઈએ ઓલ ઈન્ડિયા રેડિયો – મુંબઈ માટે 20 વર્ષ સુધી લાઈટ મ્યૂઝિક પ્રોડ્યુસર તરીકે સેવાઓ આપી હતી. ઓખાહરણ અને શરદપૂનમ જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું છે. નિનુભાઈનો સમગ્ર પરિવાર શબ્દ અને સૂર સાથે જોડાયેલો છે. નિનુભાઈ હવે હયાત નથી પણ એમના ઘરનો સૂરવૈભવ આજે પણ સમૃદ્ધ છે. નિનુભાઈના પત્ની કૌમુદી મુન્શી (પ્રખ્યાત ગાયિકા), ત્રણ દીકરીઓ રાજુલ મહેતા (ગાયિકા), સોનલ શુકલ (સોશિયલ એક્ટિવિસ્ટ), મીનળ પટેલ (અભિનેત્રી) તથા સૌથી નાનો દીકરો ઉદય મઝુમદાર (સ્વરકાર-ગાયક) છે, જેઓ પણ ગુજરાતી ગીત-સંગીતની દુનિયામાં સારી નામના મેળવી ચૂક્યા છે.

Classics, Gazal, Gujarati Songs, kavi, Lyricists, shayar

ઓજસ પાલનપુરી

ઓજસ પાલનપુરી એ સૈયદ લાલમિયાં ઉર્ફે લાલ પાલનપુરીના પૌત્ર હતા. વિખ્યાત ફિલ્મ મુઘલ-એ-આઝમની સ્ટીલ ફોટોગ્રાફી કરનાર જનાબ એ.એલ. સૈયદના તેઓ સગા ભત્રીજા. માત્ર છ ચોપડી ભણેલા ઓજસ પાલનપુરીનું ઊર્દૂ અને ગુજરાતીનું વાંચન વિશાળ હતું. પણ અવાજ, માંદગીની મર્યાદાના કારણે તેઓ મુશાયરાઓમાં ધાર્યો પ્રભાવ પાડી શકતા નહીં. ૪ ઑક્ટોબર ૧૯૬૮ના રોજ પાલનપુરમાં જ સાપ કરડવાથી તેમનું મોત થયેલું. તેમની હયાતીમાં તેમનો કોઈ ગઝલ સંગ્રહ પ્રસિદ્ધ ન થતા, તેમના મૃત્યુ બાદ તેમના મિત્ર રજની પાલનપુરીએ તેમનો એકમાત્ર સંગ્રહ ‘ઓજસ’ પ્રગટ કરેલો. ઓજસ પાલનપુરીએ અનેક ઉત્તમ શેર લખ્યાં પરંતુ તેમની ઓળખ તો તેમના આ એક જ શેરના કારણે બંધાઈ હતી –

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

Artists, Classics, Gujarati Songs, kavi, Lyricists

રાવજી પટલે – નાની ઉંમરે અસ્ત થયેલો સૂરજ

રાવજી છોટાલાલ પટેલ એટલે આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં તારીખ ૧૫ નવેમ્બર, ૧૯૩૯ના રોજ થયો હતો. તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ અંગત ઇ.સ. ૧૯૭૧માં તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો. તેમનું મૃત્યું ૧૦ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ થયું હતું.

પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં લીધા બાદ તેમણે અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. કર્યું અને નાણાંકીય મુશ્કેલીઓને કારણે આર્ટસ કૉલેજમાં માત્ર બે વર્ષ સુધીનો અભ્યાસ કરી શક્યા. તેમણે અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, કુમારના કાર્યાલયમાં એમ વિવિધ સ્થળે નોકરી કરી. તેઓ થોડો સમય સંદેશ અને ગુજરાત સમાચાર સાથે સંલગ્ન રહ્યા હતા. થોડો સમય અમીરગઢ અને આણંદમાં રહ્યા બાદ તેઓ માત્ર ૨૯ વર્ષની વયે ક્ષય રોગથી અમદાવાદમાં અવસાન પામ્યા.

તેમને ૧૯૬૬-૬૭ના વર્ષ માટે ઉમા – સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું હતું. ગુજરાતી ચલચિત્ર કાશીનો દીકરોમાં તેમના ગીત મારી આંખે કંકુના સુરજ આથમ્યાનો સમાવેશ થયો છે, જે ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન સમાન છે. આ ગીત ગુજરાતી સાહિત્યના પ્રવાહ અને શૈલીમાં ઘણો ફેરફાર લાવ્યું જે હવે આધુનિક ગુજરાતી સાહિત્ય ગણાય છે. તેના શબ્દો છે –

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો

રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

આ રચના રાવજી પટેલની છે જે ખૂબ જાણીતી છે.

Artists, Classics, Gujarati Songs, kavi, Lyricists

રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ

ચરોતરે ગુજરાતને ઘણાં ઉત્તમ સાહિત્યકારો આપ્યા છે. રઘુનાથ બ્રહ્મભટ્ટ તેમાંના એક છે. ખેડા જીલ્લાના નડિયાદ ગામના તેઓ વતની હતા.

રસકવિ શ્રી ગુજરાતી રંગભૂમિ રઘુનાથ બ્રહ્મભટ્ટને વન્સમૉરની શૃંખલા રચનાર ગીતકાર તરીકે હંમેશ યાદ રાખશે. એક પછી એક એવી ઉત્તમ કાવ્યો-ગીતો અને નાટકોના રચયિતા હોવા છતાં પણ સૌ લોકો તો એમને રસકવિથી વધુ જાણે. તેનું કારણ એ કે જ્યારે એ ગાય ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલમાં’, ત્યારે ભલે નાગરવેલીઓ રોપાઇ હોય રાજમહેલમાં, પણ તેની મહેંક તો ચારેબાજુ પ્રસરી હોય. રસકવિ નાગરવેલીઓ રોપાવે કે સાહ્યબાને ગુલાબનો છોડ કહે, રસીલી નારીઓ લવિંગ કેરી વેલ થવા તૈયાર થઈ જ જાય. તેમના ગીતો લોકગીત હોય એવી અને એટલી ખ્યાતિ પામ્યા છે અને ગરવી ગુજરાતણોએ તેને હોંશે હોંશે વધાવ્યા છે. કવિએ એમની રચનાઓ શૃંગારરસથી ભલે શણગારી હોય, પરંતુ તેમાં ક્યાંય સુરુચિભંગ થયાનો અણસાર સુધ્ધા નહોતો.

ભલે એ રસકવિ તરીકે ખ્યાતિ પામ્યા પણ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટે નાટકો પણ લખ્યા. પૌરાણિક કથાબીજવાળા એમના નાટકો સફળતાને વર્યા અને નાટકો પણ પાછા કેવા ? કવિતાપ્રધાન. તેમના નાટકો ગીતોના લીધે વધુ યશ પામ્યા. એમનું આ યોગદાન ગુજરાતી રંગભૂમિ માટે ચિરંતન સંભારણું બની ગયું.

સુપરહિટ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’નું હિન્દી ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’ મંદિરો અને યાત્રાધામોમાં લોકપ્રિય ભજનની જેમ ઠેર-ઠેર સાંભળવા મળશે. પરંતુ ‘મુગલ-એ-આઝમ’ના પ્રતિષ્ઠિત ડાયરેક્ટર કે.આસીફે સાક્ષરભૂમિ નડિયાદના કવિ-નાટયકારની છપાયેલી ચોપડીમાંથી આ લોકપ્રિય ગીતની રીતસરની ઉઠાંતરી કરી હોવાનો ભારે વિવાદ દાયકાઓ સુધી ચાલ્યો હતો. આ ગીત અસલમાં જૂની ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે રસકવિ તરીકે જાણીતા રઘુનાથ બ્રહ્મભટ્ટે ‘મુગલ-એ-આઝમ’ રીલીઝ થઇ તેના ૪૦ વર્ષ પહેલાં લખ્યું હતું.

તેની ઐતિહાસિક વિગતો કવિના પૌત્ર અને મુંબઇના જાણીતા સેક્સોલોજીસ્ટ ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ કહે છે ”મારા દાદાજીએ આર્યનૈતિક સમાજ નામની મુંબઇની નાટક મંડળી માટે ઇ.સ.૧૯૧૯માં આ ગીત લખેલું. એ સમયે આ નાટક કંપની બુંદેલખંડના રાજા છત્રસાલ ઉપર ‘છત્રવિજય’ નામનું નાટક ૧૧ લેખકની મંડળી પાસેથી લખાવતી હતી. તેમાં મારા દાદાજીએ આ ગીત લખેલું. તેમની આત્મકથા ‘સ્મરણમંજરી’ના પૃષ્ઠ ૧૦૦ ઉપર આ વિગતો છેક ૧૯૫૫માં છપાઇ છે, છતાં ૧૯૬૦માં આવેલા મોગલ-એ-આઝમમાં આ ગીત શકીલ બદાયુની નામના હિન્દી કવિનું હોવાનું લખાયું છે. દાદાજીએ ૧૯૧૯માં ‘મોહે પનઘટ પે’ લખેલું, જેની એક રેકર્ડ ઇ.સ.૧૯૨૫માં ધ ટ્વીન કંપનીએ બહાર પાડેલી. ત્યારબાદ ૧૯૩૨માં બંગાળી નૃત્યાંગના અને ગાયિકા ઇન્દુબાલાએ પણ આ ગીત ગાયેલું છે. આ બધી વાતો દાદાજીએ ‘ચિત્રપટ’ નામના અઠવાડીકમાં ત્રણ વર્ષ ચાલેલી આત્મકથાની કટારમાં સ્પષ્ટ લખેલી છે. છતાં ૧૯૬૦માં મુગલ-એ-આઝમમાં તેના કવિ તરીકેની ક્રેડિટ દાદાજીને આપવામાં આવેલી નહીં. આથી દાદાજી નડીઆદથી દોડીને મુંબઇ આવ્યા. કે.આસીફને મળ્યાં, પણ કાંઇ વળ્યું નહીં, ન છૂટકે તેમણે રાઇટર્સ એસોશિએશનમાં કાયદેસરની ફરિયાદ કરી. જેમાં કે.અબ્બાસ અને સાહીર લુધીયાનવી જેવા દિગ્ગજો ન્યાય કરવા બેઠેલાં. એમણે બધા જ પુરાવા જોયા અને વાત માની. એ વખતે ક્રેડિટ સ્વીકારાઇ, પણ અપાઇ નહીં. પછી વર્ષ ૨૦૦૪માં આ ફિલ્મ ફરીથી કલરમાં રી-લોન્જ થઇ. એ વખતે પણ દાદાજીને ક્રેડિટ અપાઇ નહીં. આથી અમારે બે વર્ષ સખત કાનુની લડાઇ કરવી પડી. જેમાં મુંબઇની જાણીતી લૉ-ફર્મ ‘ચીટનીસ એન્ડ વૈથી કંપની’ તરફથી સીનીયર લોયર શરદ ચીટનીસ સાહેબે એક પાઇ પણ લીધા વગર અમને ન્યાય અપાવ્યો.”

મુંબઇના સીનીયર લોયર શરદ ચીટનીસે ઉંમરના ૭૫ વર્ષે પણ દસ વર્ષ પહેલાની આ લડાઇ તરોતાજા રાખી છે. તેઓ કહે છે, મોગલ-એ-આઝમ ફિલ્મના હકો તેના મૂળ પ્રોડયુસર શાહપુરજી પાલોનજી-કંપની પાસેથી બોની કપૂરે ખરીદેલાં. હું ‘મોહે પનઘટ પે’નો આશિક હતો. ડૉ.રાજશેખરે મને જ્યારે તેના અન્યાય વિશે જણાવ્યું ત્યારે મારું લોહી ઉકળી આવ્યું. એક સાચા કવિને બેઇન્સાફી થાય તે ચલાવી લેવાય નહીં. અમે બધા પુરાવા સાથે બોની કપૂરના સોલીસીટરને મળ્યાં. હું એનાથી સીનીયર હતો, તેથી એણે મારી વાત સાંભળીને બોની કપૂરને સમજાવ્યા, અને બે વર્ષની માથાકૂટો પછી નવા કલર ફિલ્મની ટાઇટલ લાઇનમાં અમે ગીતકાર રઘુનાથ બ્રહ્મભટ્ટને ક્રેડિટ અપાવી શક્યા.

મોહે પનઘટ પે નંદલાલ ગીત એક બાળક નંદલાલના નખરાં ઉપરથી લખાયેલું છે. કવિ ૧૯૧૮ આસપાસ આર્યનૈતિક સમાજ નામની નાટક મંડળીના માલિક નકુભાઇ શેઠને ત્યાં વાતોએ બેઠા હતા, ત્યારે એ શેઠનો પાંચ વર્ષનો દિકરો નંદલાલ (કે જે પાછળથી નંદલાલ નકુભાઇને નામે મોટી નાટક કંપનીના માલિક બન્યા) હારમોનિયમ ઉપર કૂદકા લગાવવા જતો’તો ત્યાં જ કવિને આ ગીતની પંક્તિ સુઝી, અને તેમણે પાસે પડેલી નાનકડી ચબરખીમાં તેનું મુખડું (પહેલી પંક્તિ) લખી નાંખેલી.

એમના ગીતો કે.સી.ડે અને ગીતાદત્તે પણ ગાયા હતા. આ કવિ ઉપર પી.એચ.ડી. કરનાર સાહિત્યકાર ડૉ.ચંપક મોદી કહે છે, કવિકાકા (રઘુનાથ બ્રહ્મભટ્ટ) અવ્વલ દરજ્જાના નાટયકવિ હતા. તેઓ આમ તો એક દાક્તરને ત્યાં કંપાઉન્ડરી કરતાં, પણ એમના કવિતા અને નાટકોના ત્રીસ જેટલાં પુસ્તકો છે. એ સમયના નાટકો અને ફિલ્મોમાં કવિકાકાના અઢળક ગીતો લોકપ્રિય થયેલાં. તેમણે નાટકના ગીતો લખવાનો આજીવન ભેખ ધરેલો. જૂની રંગભૂમિમાં તેમનું ‘બુદ્ધદેવ’ નાટક ખૂબ વખણાયેલું. એમના ગીતો આજેય ગુજરાતમાં અમર છે. જેવા કે,

સાયબો મારો ગુલાબનો છોડ’

નાગર વેલીઓ રોપાઓ તારા રાજ મહેલોમાં’

મારા તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ’

સાંભળે પ્રથણ મીલનની રાત’

પંખીડા જાજે, પારેવડાં જાજે’

 

Artists, Classics, kavi, Lyricists, shayar

શેખાદમ આબુવાલા

શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ગુજરાતીઓમાં શેખાદમના ઉપનામથી જાણીતા બનેલા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા. તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.

ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ સંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. અજંપો (૧૯૫૯), હવાની હવેલી (૧૯૭૮), સોનેરી લટ (૧૯૫૯), ખુરશી (૧૯૭૫), તાજમહાલ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,

તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,

મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

આ પંક્તિઓ છે કવિ-ગઝલકાર શોભિત દેસાઈની. ભાષા અને લાગણીઓનું સંમિશ્રણ તેમની રચનાઓ માં જોવા મળે છે. હાલ તેઓ મુંબઈમાં સ્થિત છે. શોભિત દેસાઈને ગઝલ પાઠ કરતા સાંભળવા એ એક લાહવો છે.

તેઓ સંચાલક તરીકે ખૂબ જ જાણીતા અને માનીતા છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

શૂન્ય પાલનપુરી

અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌, જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે. શૂન્ય પાલનપુરી ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.

૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ‘રુસ્વા’ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ, જેમણે ‘શૂન્ય’ ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું. તેઓ પાલનપુરની “અમીરબાઈ મિડલ સ્કૂલ”માં શિક્ષક રહ્યા હતા.

માર્ચ ૧૭, ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે તેઓ અવસાન પામ્યા હતા.

Artists, Classics, kavi, Lyricists, shayar

શ્યામલ – સૌમિલ મુન્શી – ગુજરાતી સંગીતનું ખૂબ જાણીતું નામ

શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો, વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. શ્યામલ મુનશી વ્યવસાયે ડોક્ટર છે છતાં સ્વરાંકન અને ગાયનક્ષેત્રે આગવી શૈલી વિકસાવી છે. જ્યારે સૌમિલ અને આરતી મુનશીએ સુમધુર અવાજ અને ભાવવાહી અભિવ્યક્તિ દ્વારા ઓળખ ઊભી કરી છે. આ ત્રિપુટીએ મોરપિચ્છ, મોસમ તારી યાદની, મિજલસ, મનડે મહોર્યા ગુલમહોર અને 1પ0 બાળકોને લઇને મેઘધનુષ જેવા કાર્યક્રમો કર્યા છે. તેમની 39 બાળગીતોને સમાવતી બે સેટની અનોખી કેસેટ `મેઘધનુષ’ 1994માં પ્રસિદ્ધ થયા પછી લોકપ્રિય નિવડી છે. સંગીતક્ષેત્રે કાર્યરત રહેવા માટે શ્યામલ-સૌમિલ કેટલાક વર્ષોથી `ટચિંગ ટયુન્સ’ નામે મ્યૂઝિક કંપ્ની શરૂ કરી છે. ટચિંગ ટયુન્સે ચંચલ, શીતલ, નિર્મલ અને કોમલ એમ ચાર જુદા જુદા કન્સેપ્ટને આધારે વૈવિધ્યપૂર્ણ કેસેટ્સ બહાર પાડવાનું નક્કી કર્યું છે. આ ચારેય વિભાવનાઓ દ્વારા બાળકોથી માંડીને વડીલો સુધી તમામને ગમે એવું સંગીત આપવાનું આયોજન ટચિંગ ટયુન્સનું છે. શ્યામલ-સૌમિલે `શીતલ’ શ્રેણી અંતર્ગત `હસ્તાક્ષર’ નામનો સુગમ સંગીતનો છ કેસેટ્સ અને સીડીઝનો સેટ બહાર પાડયો છે. ‘સ્વરસેતુ’ અને `શબ્દસેતુ’ સંસ્થા દ્વારા સાહિત્ય અને સંગીત, તથા નવા કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરુ પાડી રહ્યા છે. તેઓ માને છે કે કોઈપણ ભાષાનું સાહિત્ય કે સંગીત એ ભાષા પર કરેલા હસ્તાક્ષર છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

સુરેશ જોશી

સુરેશ જોશી આમ તો મૂળ ગુજરાતમાં આવેલા ઊનાના. પિતાજી હાર્મોનિયમ વગાડે અને માતા સુંદર ગાય એટલે સંગીતનું વાતાવરણ સુરેશભાઇને ગળથૂથીમાં મળ્યું હતું. અલબત્ત, ખાસ સમજણ વિના. 1ર વર્ષની વયે તો તેઓએ સ્વરાંકનો કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકોટની એન્જિનિયરીંગ કોલેજમાં ભણતાં ત્યારે પરેશ ભટ્ટ, ભદ્રાયુ ધોળકીયા, અનંત વ્યાસ જેવા સુગમ સંગીતપ્રેમીઓને મળવાનું થતું. એમની સાથે સુગમસંગીતની બેઠકોથી સંગીતની ભૂખ વધુ ઊઘડી અને ઉતરોત્તર સંગીતમાં રસ વધતો ગયો.

એ દરમિયાન આકાશવાણી સાથે સંકળાયેલા ઉપેન્દ્ર ત્રિવેદીએ રેડિયોમાં યુવાવાણી કાર્યક્રમ માટે એમને ગાવા બોલાવ્યા અને પછી રેડિયો ઓડિશન પણ આપ્યું જેમાં એમની વરણી થઈ. ત્યારબાદ તેઓ મુંબઈ ગયા જ્યાં લગભગ છ-સાત વર્ષ ઉદય મઝુમદાર સાથે કામ કર્યું. આજે તો સંગીત ક્ષેત્રે તેઓ એક જાણીતું નામ બની ચૂક્યા છે. સુરેન ઠાકર `મેહૂલ’ સાથે મળીને `ગીતગંગોત્રી’ શીર્ષક હેઠળના કાર્યક્રમમાં નરસિંહ મહેતાથી રમેશ પારેખ સુધીની કવિતાઓ જુદા જુદા સ્વરુપે રજૂ કરી. તો મહાવીર સ્વામીના જીવનથી નિર્વાણ સુધીના કાળ પર એક સંગીત આલબમ કરી રહ્યા છે. એસએનડીટી માટે અખો-કબીર સાહિત્યિક કૃતિ કરી છે અને કલાપીના એ સમયના સંગીતને ધ્યાનમાં રાખીને સ્વરાંકનો તૈયાર કર્યા છે.

તેઓ કહે છે કે,`યુવા પેઢીને ગુજરાતી સંગીત સાંભળતી કરવા થોડી મહેનત કરવી પડે છે, પણ એ જરૂરી છે. કલાકારોએ પણ પોતાનું દાયિત્વ સમજીને યુવાપેઢીને શીખવાડતા રહેવું જોઇએ.’