Trending On Jalso

મલ્હાર અને કૉફી શૉટ્સ (Malhar & Coffee Shots)

એક સમયે થિએટર ઇન્ડસ્ટ્રી ચા અને મસ્કાબનના વળગણ માટે જાણીતી હતી. થિએટર્સની બહાર મોડી રાત સુધી ચા અને મસ્કાબનની મિજબાનીઓના કિસ્સાઓ અને પોતાના હિસ્સાઓ માટેની કચકચ અને તેની મીઠી યાદો ઘણી જાણીતી છે. વૌ ભી એક દૌર થા…

અલબત્ત, હાલ જેમ જેમ કૅફે કલ્ચર વધતું જાય છે, તેમ તેમ કૉફી અમદાવાદી કટિંગ ચાની જગ્યાએ હવે જાતભાતની કૉફીઓ વધારે પીવાય છે.

અને આ આખા પરિવર્તનના સમયમાં જો કંઇક ફેમસ થયું હોય તો તે છે, મલ્હાર ઠાકર અને તેમનો કૉફી પ્રેમ.કૉફીને ચાહીને સતત તેને એક કમ્પેનિયનની જેમ પોતાની પાસે રાખતાં મલ્હારના કૉફી પ્રેમ વિશે આજે થોડી વધુ વાતો કરીએ.

આપણે જાણીએ છીએ તેમ મલ્હાર ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે રીતે કૉફી શોધી લે છે અને તેનો આસ્વાદ માણતાં જોવા મળે છે. ક્યારેક ફેન્સના કૅમેરાથી કે ક્યારેક કોઈ પેપેરાઝી પેજ પર, મલ્હાર કોઈકને કોઈક રીતે કૉફી સાથે ઝડપાઈ ચોક્કસ જાય છે.

પણ શું તમે જાણો છો કે મલ્હાર કૅફેઝમાં જેટલાં અવનવાં પ્રકારની કૉફીઓ પીવે છે, તેટલાં જ પ્રકારની કૉફીઝ ઘરે પણ બનાવી શકે છે. પાછો જાતજાતની કૉફી ફ્લેવર્સ વચ્ચે શું તફાવત છે, તે પણ તે બખૂબી સમજાવી શકે છે. અમેરિકાનો, લાતે, કૅપેચિનો, એસ્પ્રેસો, રેડ આઇ, ડોપિયો, કોર્ટાડો, મૉકા, આઇરિશ વગેરે જે નામો આપણે મેન્યુઝમાં વાંચીએ છીએ, તે કૉફીઝ વચ્ચેનો ખરો તફાવત આપણે જાણીએ છીએ ખરાં? મલ્હાર આ તફાવત સમજાવતાં કહે છે કે, ‘ મૉકા એ આજકાલ ખૂબ પીવાતો કૉફી પ્રકાર છે. તેમાં બેઝિકલી ગ્લાસની સૌથી નીચે  કૉફીનો એસ્પ્રેસો શૉટ આવે, તેની પર ચૉકલેટ સિરપ આવે, ઉપર સ્કીમ મિલ્ક – એટલે કે મલાઈ વગરનું દૂધ આવે અને તેની ઉપર ફીણવાળું ફ્રૉથ મિલ્ક આવે. હવે આ કૉફીને જેમ જેમ મિક્સ કરો, તેમ તેમ કૉફી – ચૉકલેટ સિરપ અને દૂધ એકરસ થતું જાય છે. મૉકામાં ચૉકલેટની મિઠાશ ઉમેરાય તેથી વધારાની ખાંડની જરૂર પડતી નથી.’

આ આખી વાત સમજાવતાં મલ્હારની આંખોમાં જે મૉકા બ્રાઉન ચમક હતી, તે જ કૉફી માટેનો તેમનો પ્રેમ દર્શાવે છે. ‘અચ્છા, હવે આ જે એસ્પ્રેસો શૉટ્સ હોય છે તે જ મૂળ કૉફી કહી શકાય. કૉફીનો અર્ક એટલે આ એસ્પ્રેસો. કૉફી બીન્સને પ્રેસ કરતાં કરતાં તેમાં સ્હેજ સ્હેજ પાણી ઉમેરીને જે લિક્વિડ કૉફી સિરપ તૈયાર થાય છે, તે ડિરેક્ટલી સર્વ થાય, તેને એસ્પ્રેસો કહેવાય.‘ આ સમજ મલ્હાર આપતાં આપતાં કહે છે કે ‘હું આ તમામ પ્રકારની કૉફી જાતે પણ બનાવું જ છું.’ આ વાત આપણે માનવી જ રહી, કારણ કે મલ્હારના કિચનમાં અત્યાધુનિક કૉફી મેકર્સ પણ અવેલેબલ છે.

હવે કડક મીઠી ચા પીનારા ગુજરાતીઓને કડવી અમેરિકાનો કૉફી ભાવે ખરી? આ સવાલનો જવાબ તો તમારે મને આપવો પડશે. પણ આ અમેરિકાનો શું છે, તેનો જવાબ મલ્હાર આપે છે. ‘અમેરિકાનો એટલે મૂળે બ્લૅક કૉફી. એક શૉટ એસ્પ્રેસો અને ગરમ પાણી. આ જ અમેરિકાનો કૉફી.’

મલ્હાર પોતે નોન આલ્કોહોલિક છે તે વાત આમ તો જગજાહેર છે. છતાં તે એક એવી કૉફી વિશે પણ જાણે છે, જે ગુજરાતની બહાર રમ સાથે પીરસવામાં આવે છે. આઇરિશ કૉફી. અલબત્ત, આ કૉફી ગુજરાતમાં સ્હેજ અલગ રીતે મળે છે. મલ્હાર કહે છે કે ગુજરાતમાં બ્લેક કૉફીના માઇલ્ડ શૉટની ઉપર ફ્રૉથ અથવા સ્હેજ સ્ટ્રૉંગ વ્હિપ્ડ ક્રિમ પાથરીને આઇરિશ કૉફી પીરસવામાં આવે છે. આ કૉફી મિલ્ક કૉફી નથી.

છે ને મલ્હારનો ગજબનો કૉફી પ્રેમ?

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *