From the console

રણક : સંગીતને થોડાંક વધુ સંગીતમય બનાવતાં જલસો ઑરિજિનલ્સ

વરસાદી ભીનાશભર્યા વાતાવરણમાં સંગીતના સૂરો ભળે છે, ત્યારે આસપાસ બધું જ થોડુંક વધારે ચોખ્ખું લાગતું હોય છે. જલસોના સ્ટુડિયો પર પણ બધી જ પીળી લાઇટ્સ થોડીક વધારે બ્રાઇટ લાગે. આ ઋતુની અસર જ એવી થાય છે કે બધી જ વસ્તુઓના રંગો વધારે ખીલી ઊઠે છે.

તમે જો જલસોને સોશિયલ મીડિયા પર ફૉલો કરતાં હશો તો તમને ખબર જ હશે કે જલસોની ઑફિસનું વાતાવરણ કેટલું સંગીતમય હોય છે. અને કેમ ના હોય? જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી ગુજરાતી મ્યુઝિક ઍપ છે. આ વાતાવરણ થોડુંક વધારે સંગીતમય ત્યારે બન્યું, જ્યારે જલસો પર ‘રણક’ નામના નવા પૉડકાસ્ટનું રેકોર્ડિંગ અને શૂટિંગ શરૂ થયું હતું.

રણક પૉડકાસ્ટ એટલે ગુજરાતી ગીતોનું માત્ર ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન. કુલ 8 કલાકારોએ મળીને તમારા માટે જાણીતા ગુજરાતી વરસાદી ગીતોને માત્ર એકાદ-બે વાદ્યો પર વગાડીને રજૂ કર્યા છે. જલસો મ્યુઝિક ઍપ પર આ ગીતો તમને સરળતાથી ‘જલસો ઑરિજિનલ’ ટૅબમાં મળશે.

રણક પૉડકાસ્ટની પડદા પાછળની, સ્ટુડિયોની અંદરની વાતો કરીએ તો જલસો ટીમને આ વિચાર ઘણાં સમયથી આવતો હતો કે ગુજરાતી ગીતોના ઇન્સ્ટ્રુમેન્ટલ વર્ઝન્સ કેમ ના હોય? ઘણું વિચારીને આ વિચારોને ફળિભૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સૌપ્રથમ આ વિચાર કેટલાંક કલાકારો સાથે શૅર કરવામાં આવ્યો. જેમાંથી કુલ 8 કલાકારો સમયની અનુકૂળતા ફાળવી શક્યા અને તેમણે જાણીતા ગુજરાતી વરસાદી ગીતો પર સુંદર મઝાના ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રૅક બનાવી આપ્યા. તેનું પેકેજિંગ અને ફાઇનલ વર્ઝન તૈયાર થયું જલસોના સ્ટુડિયોમાં.

જલસો ટીમ દ્વારા આ આખા કૉન્સ્ટેપ્ટને મૂર્તિમંત કરવામાં ઘણી જ મહેનત કરવામાં આવી છે. કલાકારોના ટ્રૅક તૈયાર થઈ ગયા પછી, તેમાં સાઉન્ડ એન્જિનીયરિંગની જરૂરીયાત પ્રમાણે અનેડર લે, ઇન્ટ્રો તથા આઉટ્રો મૂકીને એક આખું પેકેજ તૈયાર કરવામાં આવ્યું. ત્યાર બાદ સુંદર લોગો સાથે બધાં જ આર્ટિસ્ટના સૉલો ટ્રૅક ઉમેરીને આખું આલ્બમ જલસો ઍપ પર અપલૉડ કરવામાં આવ્યું.

આ તો થઈ બધી ટેક્નિકલ વાતો. મજા પડે એવી વાત તો આ આઠ કલાકારો અને તેમના સંગીતમાં છે. આ આલ્બમનું પહેલો ટ્રૅક એટલે કવિ તુષાર શુક્લનું ખૂબ જાણીતું ગીત – આંખોમાં બેઠેલા ચાતક કહે છે. જેનું સ્વરાંકન કર્યું છે નયનેશ જાનીએ. આ ટ્રૅકને દર્શન ઝવેરીએ કી-બૉર્ડ પર એટલી સુંદર રીતે બેસાડ્યો છે કે તમે વગર વરસાદે વરસાદી મૂડમાં આવી જશો.

બીજું ગીત છે, મારો સાહ્યબો. કવિ શ્રી તુષાર શુક્લના શબ્દોને શ્રી વિપુલ ત્રિવેદીએ સિતાર પર રજૂ કર્યું છે. તેમના સિતારના તાર આ ગીતને ખૂબ જ અદ્ભૂત રીતે રજૂ કરે છે.

તમે નરસિંદ મહેતાની સુંદર રચના – વા વાયાને વાદળ ઉમટ્યા– તો સાંભળી જ હશે ને? હવે જો આ રચના તમને માત્ર ફ્લુટ (વાંસળી) પર જ સાંભળવા મળે તો કેવી મજા પડે? આલાપ ત્રિવેદીએ આ ઉત્તમ રચનાને વાંસળીના સૂરોથી ખૂબ સુંદર રીતે સજાવી છે.

આજકાલ ન્યૂ એજ ગુજરાતી ફિલ્મોના ગીતોની ધૂન પર પણ ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. મેહુલ સૂરતી અવનવા ગીતો આપીને ગુજરાતી સંગીતને વધુ સમૃદ્ધ કરી રહ્યા છે. તાજેતરમાં આવેલી ફિલ્મ મોન્ટુની બિટ્ટુનું એક સુંદર ગીત – રંગ દરિયો, જેને પાર્થ તારપરાએ લખ્યું છે. રણકના ચોથા ટ્રૅક તરીકે તેની પસંદગી કરવામાં આવી છે. સ્વપ્નિલ સિદ્ધેશ્વરએ આ ગીતને ગિટાર પર રજૂ કર્યું છે.

ગુજરાતી ભક્તિ સંગીતનો ઉલ્લેખ કરીએ અને ગંગાસતીના ભજનો યાદ ના આવે એવું બને? એક આડ વાત કરું, તો જલસો પર ભક્તિ સંગીતનું એક વિશાળ કલેક્શન જલસો મ્યુઝિક ઍપ પર અવેલેબલ છે, જેમાં દરેક ધર્મ, સંપ્રદાયને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે, વાત કરવાની છે વીજળીના ચમકારે ભજનની. ગંગાસતીના આ ભજનને હરમિશ જોશીએ સેક્સોફોન પર રજૂ કરીને એક સખત ફ્યુઝન પ્રકારનું સંગીત પીરસ્યું છે.

ગંગાસતીના આ ભજન જેવું જ એક સુંદર લોકગીત છે, મધરાતુના મોર. વનરાજ શાસ્ત્રીએ આ ગીતને સારંગીના તાર સાથે એવું તો વણ્યું છે કે આમ મોજ પડી જાય. આ ટ્રૅક માટે હું વધારે કંઈ નહીં કહું. તમે ભૂલ્યા વિના સાંભળજો.

મેઘાણી સાહેબે જ્યારે મોર બની થનગાટ કરે – લખ્યું હશે ત્યારનો માહોલ ખરેખર કેવો હશે? આવો પ્રશ્ન તમને ના થાય? જવાબ તો મળે તેમ નથી, પણ ઋજુલ શાહ આ ગીતને હાર્મોનિયમ પર રજૂ કરે છે, ત્યારે જાણે એક સમા બંધાઈ જાય છે.

એકલ દોકલ એ આ આલ્બમનું છેલ્લું ટ્રૅક છે. મુકેશ માળવંકર તેને કી-બૉર્ડ પર એટલી અદ્ભૂત રીતે રજૂ કરે છે કે તમારો મૂડ બની જાય છે.

બસ તો પછી. વરસાદી સાંજે સુંદર મજાની ચાની ચુસ્કીઓ મારતા મારતા આ આખું આલ્બમ સાંભળશો તો તમારા વરસાદી વાતાવરણમાં સંગીતની સુંગધ થોડીત વધારે ઘાટી થશે. સ્ટૅ ટ્યૂન ઑન જલસો, અને જીવો મોજમાં.

 

 

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *