Uncategorized

દિલીપ ધોળકિયા અને ગરબા (Dilip Dholkia And Garba)

 

વૌ ભી એક દૌર થા… ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુવર્ણકાળનો ફાયદો મુંબઈની બોલિવુડ ઇન્ડસ્ટ્રીને પણ સતત મળ્યો છે. ગુજરાતી સંગીત અને સિને જગતે દુનિયાને કેટકેટલું આપ્યું છે? અને હજુ પણ એ સિલસિલો બરકરાર જ છે ને. આ વાતના સંદર્ભમાં કેટકેટલાંય ઉદાહરણો તમે સાંભળ્યા હશે. કેટલાંય ટ્રિવિયા તમને મોઢે હશે. જગજિતસિંહને પહેલો બ્રેક આપવાની વાત હોય, કે તાજેતરમાં જ આપણે પ્રતિક ગાંધી દ્વારા કરાવેલું સ્કૅમ – 1992 હોય! ગુજરાતીઓ વેપારી પ્રજા હોવા છતાં કલાના ક્ષેત્રમાં પણ શિરમોર જ છે. અલબત્ત, આપણાં વેપારી ભેજાને કારણે જ તો આપણને સમજાય છે કે લોકોને કલા કેવી રીતે પીરસવી. ખરું ને?

અને આ જ સમજણથી જૂનાગઢમાં જન્મેલા એક સંગીતકારે ગુજરાતી સંગીતના સ્તરને નવી ઊંચાઈઓ આપી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ, એક એવા સંગીતકારની જેમણે સિત્તેરના દાયકાથી ગુજરાતી પ્રેમીઓને અભિવ્યક્તિ ગીત આપ્યું છે. તારી આંખનો અફીણી‌ – દિલીપભાઈ દ્વારા ગાવામાં આવેલું ઉત્તમમાં ઉત્તમ અભિવ્યક્તિ ગીત છે.

આ પીઢ સંગીતકાર પોતે પાછા ગાયક પણ ખરા! હું વાત કરું છું દિલીપ ધોળકિયાની. મૂળે તો સંગીત તેમને વારસામાં મળેલુ. દિલીપ ધોળકિયાનો સંગીત સાથેનો પ્રથમ પરિચય તેમના પિતાશ્રી અને દાદાશ્રીએ કરાવ્યો હતો. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં કીર્તન ગાતા બાળક દિલીપ 1960 અને ૭૦ના દાયકામાં હિન્દી અને ગુજરાતી ફિલ્મ સંગીતના ઉત્તમ સંગીતકાર બની જાય છે.

પરિવારમાં સંગીતનું વાતાવરણ મળતાં વડીલોએ બાળક દિલીપને સંગીતની રીતસરની તાલીમ આપવાનું વિચાર્યું. દિલીપ ધોળકિયાએ સંગીતની પ્રારંભિક તાલીમ પાંડુરંગ આંબેડકર પાસેથી લીધી હતી. પરંતુ તેમણે સંગીતમાં જ કારકિર્દી બનાવવાનું ક્યારેય વિચાર્યું નહોતું. અને એટલે જ કદાચ તેમણે બોમ્બે સ્ટેટ ઓફ ગવર્મેન્ટના એકાઉન્ટ વિભાગમાં ક્લર્ક તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી.‌

પણ પેલું કહે છે ને કે અંજળપાણી જ્યાં લખ્યા હોય ત્યાં તમે આપોઆપ દોરાઈ જાવ છો. નસીબનો ખેલ એવો હતો કે દિલિપ ધોળકિયા જ્યાં કામ કરતા હતા, તે જ સરકારી બિલ્ડિંગમાં ઓલ ઇન્ડિયા રેડિયો આવેલું હતું. કારકુની કરતા કરતા દિલિપ ધોળકિયાના પગ એક દિવસ આપોઆપ ઓલ ઇન્ડિયા રેડિયો ખાતે જઈ પહોંચ્યા.

સુંદર અવાજના માલિક એવા દિલીપ ધોળકિયાને ઓલ ઇન્ડિયા રેડિયોના A ગ્રેડના ગાયક તરીકે સ્થાન મળ્યું. અને પછી તો હિન્દી ફિલ્મો માટે પણ તેમના દરવાજા ખુલી ગયા. સંપર્કો વધતા તેમની કિસ્મત તેમને હિન્દી ફિલ્મ કિસ્મતવાલા તરફ લઇ ગઈ. આ વર્ષ હતું 1944નું. એ ફિલ્મ હતી જાણીતા સંગીતકાર ખેમચંદ પ્રકાશના ભાઈ રતનલાલની.

બોલિવૂડમાં ગાયક તરીકે તેમનું પદાર્પણ થઇ ગયા બાદ, D. Dilipના નામથી તેમણે સાત હિન્દી અને અગિયાર ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. અને તે પછી પણ ગાયક તરીકે તેમણે પુરુષોત્તમ ઉપાધ્યાય, અજિત મર્ચન્ટ, અવિનાશ વ્યાસ સહિત ઘણા દિગ્ગજો સાથે કામ કર્યું. વેણીભાઈ પુરોહિતના શબ્દોને તેમણે સુંદર રીતે સંગીતમાં પરોવ્યા છે.

દિલિપ ધોળકિયાના ગરબાને આજે નવરાત્રીના દિવસોમાં આખું ગુજરાત ગણગણતું જોવા મળે છે. ખૂબ જ જાણીતું ગરબાઓમાં ગવાતું – મેળાનો મને થાક લાગે – ગીત પણ દિલીપ ધોળકિયાનું જ સર્જન કરે છે. ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું વગડા વચ્ચે તલાવડી ગીત પણ આજે ગરબાના ટોપ ચાર્ટ માં જોવા મળે છે.

ગુજરાતી ઉપરાંત દિલીપ ધોળકિયાએ ભોજપુરી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. જાલમસંગ જાડેજા, મોટા ઘરની દિકરી, કંકુ સત્યવાન સાવિત્રી વગેરે ફિલ્મોમાં તેમના ગીતો એ દર્શકોના મનમાં એક અમીટ છાપ છોડી છે.

તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલ, હૃદયનાથ મંગેશકર જેવા દિગ્ગજોને આસિસ્ટ કર્યા છે. તેમણે HMV માટે કમ્પોઝ કરેલા નોન ફિલ્મી ગીતોમાં લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરી અમોનકર જેવા દિગ્ગજ ગાયિકાઓએ પોતાનો અવાજ આપ્યો છે.

બરકત વિરાણી અને ગાલીબ સહિતની ગઝલો તેમણે કમ્પોઝ કરીને સંગીત પ્રેમીઓને ભેટ કરી છે. આવા દિગ્ગજ સંગીતકાર અને ગાયક શ્રી દિલિપ ધોળકિયા ગુજરાતી ફિલ્મ અને સંગીતના ક્ષેત્રનું આપણું ઉત્તમ ઘરેણું છે. પોતાના સુરો અને અવાજ દ્વારા અક્ષરદેહ પામેલા આ સંગીતકારની રચનાઓ અવિસ્મરણીય છે. અલબત્ત, આ રચનાઓ જલસો મ્યુઝિક એપ પર અવેલેબલ તો છે જ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *